
વડોદરા, તા.1: જેતલપુર સ્થિત Wardwizard Healthcare Limitedમાં રૂ. 28.47 કરોડની નાણાકીય ઉચાપતના કેસમાં પૂર્વ CEO સંતોષકુમાર હરીભાઈ ગઢવીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના એસ.જી. હાઇવે વિસ્તારેથી ઝડપી પાડ્યો છે.
આરોપીએ બનાવટી દસ્તાવેજોના આધારે કંપનીના બેંક ખાતામાંથી રકમ ઉપાડી, ખોટા હિસાબ રજૂ કરી અને અલગ-અલગ બેંકોમાં ખોટા નામે એકાઉન્ટ ખોલાવી નાણાં ટ્રાન્સફર કર્યા હતા. હલકી ગુણવત્તાના અને આઉટડેટેડ મેડિકલ સાધનોની ખરીદી બતાવી અલગ-અલગ કંપનીઓને ચુકવણી કરી રકમ સગેવગે કર્યાનો આક્ષેપ છે.
આ મામલે Vadodara Crime Branch દ્વારા અગાઉ ગુનો નોંધાયો હતો. આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ આરોપી ફરાર હતો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતે વોચ ગોઠવી મોડી રાત્રે ધરપકડ કરી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.