પાર્કિંગમાં પાણી ભરાવાથી વાહનો રોડ પર પાર્ક કરવાના કારણે ટ્રાફિકજામ અને વાહનોને અવરોધ
મચ્છરો, દુર્ગંધ અને આરોગ્યની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ
વારંવાર રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ
વડોદરા : ગત વર્ષે શહેરમાં ભારે વરસાદ અને માનવસર્જિત પૂર આવ્યા બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમાં વોર્ડ નં. 6માં જલારામ હોસ્પિટલ સામે સગુન હોલ તરીકે ઓળખાતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ભરાયેલું પાણી એક વર્ષથી નિકાલ ન થતા સ્થાનિકો, વેપારીઓ, બેંક અને હોસ્પિટલ ધરાવતા લોકો પણ પરેશાન છે. પાર્કિંગમાં પાણી ભરાવાથી વાહનો માટે જગ્યા ન મળતાં લોકો વાહનો રોડ પર પાર્ક કરવા મજબૂર છે, જેના કારણે રોડ પર વાહન વ્યવહાર મુશ્કેલ બની ગયો છે.
આ વિસ્તારમાં બે થી ત્રણ મોટી હોસ્પિટલ હોવાને કારણે અહીં રોજ ઘણા દર્દીઓ અને એમ્બ્યુલન્સ આવતી જતી હોય છે, પરંતુ પાર્કિંગની સમસ્યાના કારણે એમ્બ્યુલન્સને પણ અવરોધનો સામનો કરવો પડે છે. પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ અને દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોનું આરોગ્ય પણ બગડી રહ્યું છે.
સ્થાનિકોએ વોર્ડ નં. 6ના કાઉન્સિલરો શીતલ મિસ્ત્રી, હેમિશા ઠક્કર, હીરો ખંજવાણી અને જયશ્રીબેન સોલંકી તેમજ વડોદરા મહાનગરપાલિકા અને વોર્ડ ઓફિસને વારંવાર આ સમસ્યાની જાણ કરી છે. છતાં, એક વર્ષ બાદ પણ પાર્કિંગમાંથી પાણી કાઢવામાં આવ્યાં નથી.
સ્થાનિકો તાત્કાલિક પાણી નિકાલ અને પાર્કિંગ વ્યવસ્થાનું સુધારણું કરવા માંગ કરી રહ્યા છે, જેથી રોડ ખુલ્લો રહે અને મચ્છર-દુર્ગંધથી રાહત મળે. આ સમસ્યાનો ઉકેલ ન મળતા લોકોમાં રોષ ફેલાઈ રહ્યો છે અને તંત્રની કામગીરી સવાલ થઈ રહી છે.