નકલી જન્મ-મરણના દાખલાનું વેચાણ, દબાણો પાસેથી હપ્તા ઉઘરાવવા અને અધિકારીઓને બ્લેકમેલ કરવાના આક્ષેપોથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખળભળાટ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના વોર્ડ નંબર 13 માં ચાલતી કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર મામલે સ્થાનિક રહીશ કમલેશ વી. મરાઠી દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ફરિયાદમાં વોર્ડ નં. 13 ના મહિલા કોર્પોરેટર જાગૃતિબેન કાકા અને અન્ય કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, નવાપુરા વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારી આકાશ ખત્રી છેલ્લા 15 વર્ષથી નકલી જન્મ અને મરણના દાખલાઓ ₹15,000 થી ₹25,000 માં વેચવાનું ગેરકાયદેસર કામ કરી રહ્યા છે. આ પ્રવૃત્તિમાં કોર્પોરેટરની સીધી સંડોવણી અને ભાગીદારી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે ‘બોગસ ગ્રાહક’ મોકલીને તપાસ કરવામાં આવે તો આ મોટું કૌભાંડ ખુલ્લું પડી શકે છે.
અહેવાલ મુજબ, લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી બ્રિજ સુધીના ફૂટપાથ પર અંદાજે 400 જેટલી ગેરકાયદે દુકાનો અને કેબિનો ચાલી રહી છે. આ તમામ દુકાનો પાસેથી દર મહિને હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની ચર્ચા નાગરિકોમાં છે. આ હપ્તાની રકમ કોર્પોરેટર દ્વારા તેમના વચેટિયાઓ મારફતે દબાણ શાખાના કર્મચારીઓ સાથે મળીને વસૂલવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ છે.
સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, વોર્ડ ઓફિસ, રોડ શાખા, ડ્રેનેજ અને એન્જિનિયરિંગ શાખાના અધિકારીઓને મહિલા કોર્પોરેટર દ્વારા ધમકાવવામાં આવે છે. પત્રમાં લખ્યું છે કે, કોર્પોરેટર અધિકારીઓની ઓફિસોમાં જઈને વીડિયો ઉતારે છે અને ફોટા પાડીને તેના આધારે ફરિયાદ કરવાની અથવા બદલી કરાવી દેવાની ધમકી આપી નાણાં પડાવે છે. આ પ્રકારના ભયના માહોલને કારણે અધિકારીઓ મુક્તપણે કામ કરી શકતા નથી.
નિષ્પક્ષ તપાસની માંગ…
ફરિયાદકર્તાએ આ તમામ બાબતોની તાત્કાલિક ખાનગી અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની છબી ખરડાઈ રહી હોવાથી આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.