VMCની ૪ મોબાઈલ વાન કાર્યરત: નાગરિકોને ઘેર બેઠા ‘વેસ્ટ’ જમા કરાવવાની સુવિધા, પ્રતાપનગર બાદ વધુ બે કેન્દ્રો ખુલ્લા મૂકાયા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપનના ટકાઉ વિકાસ તરફ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, વડોદરા મહાનગરપાલિકાએ ભાયલી અને સમા વિસ્તારમાં બે નવીન RRR (Reduce, Reuse, Recycle) સેન્ટર કાર્યરત કર્યા છે. આ નવા સેન્ટરો શહેરમાં કચરો ઘટાડવા અને વસ્તુઓનો પુનઃઉપયોગ કરવાના અભિગમને વધુ મજબૂત બનાવશે.
ઉલ્લેખનીય છે કે, આ બે નવા સેન્ટરો ઉપરાંત વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતાપનગર ખાતે પણ એક RRR સેન્ટર કાર્યરત છે. શહેરીજનોની સુવિધા માટે 4 મોબાઇલ વાન પણ કાર્યરત છે, જે દૈનિક ધોરણે રેસિડેન્શિયલ વિસ્તારોમાં ફરીને લોકો પાસેથી ઉપયોગમાં ન આવતી વસ્તુઓ એકત્ર કરે છે.
આ RRR સેન્ટરો અને મોબાઇલ વાન મારફતે શહેરીજનો પોતાના ઘરમાંથી ન વપરાતી વસ્તુઓ જેવી કે કપડાં, પુસ્તકો, રમકડાં, પ્લાસ્ટિક સામાન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઘરગથ્થુ વસ્તુઓ જમા કરાવી શકે છે. આ એકત્ર કરાયેલી વસ્તુઓનું જરૂરી સોટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ આ વસ્તુઓને ફરી ઉપયોગ માટે તૈયાર કરવામાં આવે છે અથવા જરૂરિયાતમંદ નાગરિકોને પૂરી પાડવામાં આવે છે.
મહાનગરપાલિકાની આ પહેલથી લેન્ડફિલ સાઈટ પર જતાં કચરાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં સહાય મળશે. સાથોસાથ, આ પ્રયાસ સર્ક્યુલર ઇકોનોમીના ધોરણને મજબૂત બનાવશે, જે ‘વેસ્ટ ટુ બેસ્ટ’ અને ‘વેસ્ટ ટુ વેલ્થ’ના ખ્યાલને વાસ્તવિક સ્વરૂપ આપવા સક્ષમ બનાવશે.
વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છ ભારત મિશન હેઠળ સતત પ્રયત્નશીલ છે કે શહેરીજનોની સક્રિય ભાગીદારી દ્વારા પર્યાવરણને અનુકૂળ મૂલ્યોને પ્રોત્સાહન મળે. આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા RRR સેન્ટરો સ્થાપિત કરવાની મહાનગરપાલિકાની યોજના છે. નાગરિકોના સંપૂર્ણ સહકારથી વડોદરાને “ઝીરો વેસ્ટ સિટી” બનાવવાની દિશામાં આ પહેલ એક નિર્ણાયક ભૂમિકા ભજવશે અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ તરફના શહેરના પ્રયત્નોને વધુ મજબૂત બનાવશે.