Vadodara

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે વાતાવરણમાં પલટો, આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે

મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 15કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે

ફેબ્રુઆરી અંત અને માર્ચમાં છેલ્લા ત્રણ વર્ષના રેકોર્ડ ને તોડતી ગરમી પડશે

શહેરના વાતાવરણમાં અચાનક ફરી એકવાર પલટો જોવા મળ્યો છે અને ગત તા. હાલમાં દિવસે ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે આગામી બે દિવસમાં હજી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાતમાં પવનની ગતિ 15કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે ઉતરી પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં ચક્રાવાતી પવનોના રૂપમાં સક્રિય જોવા મળી રહ્યું છે. ઉત્તર -પશ્ચિમ અને ઉતર -પૂર્વ ભારતના મેદાનોમાં સમુદ્ર સપાટીથી 12.6 કિલોમીટર ઉપર 231 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.એક તરફ શિયાળાની વિદાય ધીમે ધીમે થવા જઈ રહી છે ત્યારે બીજી તરફ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.બીજી તરફ મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસમાં પવનની ગતિ 15કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 16કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા સેવાઇ રહી છે જો કે હવે બે ત્રણ દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર સમાપ્ત થશે ત્યારબાદ ફેબ્રુઆરીના અંતમાં એટલે કે 28 ફેબ્રુઆરી થી ગરમીનું પ્રમાણ વધશે જેના કારણે ફેબ્રુઆરીના અંત થી માર્ચની શરુઆતમાં પારો 28ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમી ત્રણ વર્ષનો રેકોર્ડ તોડી શકે છે જેના કારણે માર્ચ મહિનામાં તાપમાન 38 થી 40ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવા સંભવ છે સૂર્યદેવતા માર્ચ મહિનામાં જ એપ્રિલ અને મે મહિના જેવો ગરમીનો પ્રકોપ વરસાવશે.
શહેરમાં તા. 14ફેબ્રુઆરીના રોજ મહત્તમ તાપમાન 34.4ડિગ્રી સે. નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવા પામ્યું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 26% નોંધાયું હતું. શહેરમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે તથા વહેલી સવારે ઠંડી આમ બેવડું વાતાવરણ ચાલી રહ્યું છે જેના કારણે લોકોને ખાંસી,ગળાની તકલીફ ,શરદી વાયરલ ઇન્ફેક્શનના શિકાર બની રહ્યા છે.બીજી તરફ દિવસે લોકો પંખા,કુલર,એ.સી. નો વપરાશ કરી રહ્યા છે જ્યારે રાત્રે રજાઇ સ્વેટરનો સહારો લેવો પડી રહ્યો છે આમ. બે ત્રૃતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે આગામી બે દિવસ પવનની ગતિ વધવાની શક્યતા સેવાઈ રહી છે જેના કારણે શરદી, ખાંસી,ગળા અને કાન નાકની તકલીફ વધી શકે છે.

અત્યારે જે રીતે વાતાવરણ ચાલી રહ્યું છે તે જોતાં લોકોએ બહારના ઠંડા પીણાં, ઠંડું પાણી અને સુગર બેઝ ચીજવસ્તુઓ થી દૂર રહેવું જોઈએ સાથે જ જો ગળામાં દુખાવો,ખરાશ જેવું લાગે તો ગરમ પાણીના કોગળા કરવા તથા નવશેકા દુધમાં હળદર નાખી પીવું જોઈએ, બહાર નિકળવા દરમિયાન માસ્કનો ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે હાલના વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શનના ચાન્સ વધી જતાં હોય છે.

-ડો.મયંક શાહ, આશિર્વાદ હોસ્પિટલ, વાઘોડિયારોડ

વાતાવરણના બદલાવને આપણું શરીર એકદમ સ્વિકારવા સક્ષમ ન હોવાથી વાયરલ ઇન્ફેક્શનનો ડર રહે છે

અત્યારે જે રીતે વહેલી સવારે તથા રાત્રે ઠંડી અને દિવસે ગરમીનું પ્રમાણ જોવા મળે છે જેમાં દિવસ અને રાતના વાતાવરણમાં તાપમાનમાં દસ થી બાર ડિગ્રી સેલ્સિયસ નો તફાવત આવે છે જેને એકદમથી માનવ શરીર સ્વિકારી શકતું નથી અને આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધી જાય છે માટે વાતાવરણના બદલાવને કારણે ગળામાં દુખાવો,શરદી, ખાંસી, કાનની તકલીફ અને વાયરલ ઇન્ફેક્શનના ચાન્સ વધી જાય છે આવા સમય દરમ્યાન નોર્મલ પાણી વધુ પીવું જોઈએ અને જેને દવાઓ ચાલી રહી છે તેમણે નિયમિત દવા લેવી જોઈએ સાથે ચેક અપ કરાવતા રહેવું જોઈએ.

ડો. પ્રજ્ઞેશ શાહ,ઇ.એસ.આઇ.સી.હોસ્પિટલ, ગોત્રી

Most Popular

To Top