અરબી સમુદ્રમાં ચક્રાવાતી તોફાનને કારણે પવનની દિશા બદલાઇ
ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 9 ફેબ્રુઆરી સુધીમા માવઠું થવાની શક્યતા
શહેરના વાતાવરણમાં અચાનક ફરી એકવાર પલટો જોવા મળ્યો છે અને ગત તા. 03જી ફેબ્રુઆરી થી સમી સાંજથી સવાર સુધી ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 24 કલાકમાં હજી ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉતર ભારતના પર્વતીય પ્રદેશમાં જેમાં હિમાલય, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત વિસ્તારમાં ગત તા. 03જી ફેબ્રુઆરીથી બરફ વર્ષા શરૂ થઇ છે સાથે જ વરસાદ પણ થઈ રહ્યો છે.એક તરફ શિયાળાની વિદાય ધીમે ધીમે થવા જઈ રહી છે ત્યારે બીજી તરફ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.બીજી તરફ અરબી સમુદ્રમાં ફરી એકવાર ચક્રાવાતી તોફાન નું જોખમ સર્જાયું છે જેના કારણે પવનની દીશા પણ બદલાઇ છે આગામી તા. 09 થી 11ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે માવઠું અથવાતો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.રાજસ્થાન પર મોસમી એન્ટિસાયક્લોન મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને છતીસગઢ ના ભાગોમાં આગળ વધશે.ઉતરી મેદાનમાંથી આવતા ઠંડા પવનો ઉતર મધ્ય મહારાષ્ટ્ર અને કોંકણ પ્રદેશ પર અટકી જશે જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉતર કોંકણ અને નજીકના અરબી સમુદ્ર પર ચક્રાવાતી પરિભ્રમણ બનવાની શક્યતા છે આથી પવનની પેટર્ન બદલાશે અને મહારાષ્ટ્રમાં આંતરિક વિસ્તારોમાંથી ભૂમિગત પવન લાંબા સમય સુધી ફૂંકાતા રહેશે.હાલ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ ના ભાગોમાં છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના છે.દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે.મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ થી નીચે જવાની શક્યતા છે.
બુધવારે વડોદરા શહેરનું મહત્તમ તાપમાન 29.0ડિગ્રી સે. નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું હતું અને હવામાં ભેજનું પ્રમાણ 24% નોંધાયું છે જેના કારણે શહેરીજનોને ફરી એકવાર જેકેટ,સ્વેટ,રજાઇના સહારો લેવાની જરૂર પડી છે.
આગામી ચોવીસ કલાકમાં ઠંડીનું જોર વધશે આગામી ચોવીસ કલાક દરમ્યાન લઘુત્તમ તાપમાન હજુ બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટશે. શિયાળાની વિદાય સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે.ઉતર પશ્ચિમ ભારતમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા હોય ઉતરી ઠંડા પવનો ફરી એકવાર લોકોને ધ્રૃજાવશે.ગુજરાતમા ફરી એકવાર ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળશે તા.9 થી 12ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રમાણ જોવા મળશે અને આગામી 19 ફેબ્રુઆરી થી ફરી એકવાર વાતાવરણ સામાન્ય રહેશે.જ્યારે 23 ફેબ્રુઆરી થી ફેબ્રુઆરી ના અંત સુધી કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે.