Vadodara

વેરા વસુલાત વધારવા વડોદરા પાલિકાની વ્યાજ માફી યોજના અમલમાં

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મિલકતધારકો માટે પાછલા બાકી રહેલા મિલકત વેરા પર વ્યાજ માફી યોજના અમલમાં મુકવામાં આવી છે. શહેરમાં ઘણા મિલકતધારકોના વેરા કોર્ટ કેસ, લીકવીડેશન, રેવન્યુ દાવા, અથવા મિલકત બંધ રહેવા જેવા કારણોસર બાકી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા વસુલાત માટે સતત કાર્યવાહી છતાં બાકી રકમ વસુલ ન થતી હોવાથી હવે આ વ્યાજ માફી યોજના દ્વારા ખાતા સેટલ કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ યોજના તા. 7 નવેમ્બર 2025 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે. યોજનામાં બે અલગ આકારણી પદ્ધતિ મુજબ લાભ આપવામાં આવશે. ભાડા આકારણી પદ્ધતિ મુજબ જો મિલકતધારક પોતાના બાકી વેરાની રકમ તા. 1 એપ્રિલ 2003 સુધીની એક સાથે ભરી દેશે, તો તેમને વ્યાજની 100 ટકા રકમ ઇન્સેન્ટિવ રિબેટ રૂપે મળશે. જો બિલમાં ફક્ત વ્યાજ બાકી હોય તો પણ 100 ટકા માફી આપવામાં આવશે. રિટર્ન થયેલા ચેક માટેની ડિમાન્ડ ચઢાવેલી હોય તો તે વ્યાજની રકમ પર પણ યોજનાનો લાભ મળશે, પરંતુ રિટર્ન ચેક માટે લાગતા નિયમસરના ચાર્જ અલગથી વસૂલ કરાશે.

ક્ષેત્રફળ આધારિત આકારણી પદ્ધતિ મુજબ રહેણાંક મિલકતોના પાછલા બાકી વેરાના વ્યાજમાં 80 ટકા અને બિન-રહેણાંક મિલકતોના વ્યાજમાં 60 ટકા ઇન્સેન્ટિવ રિબેટ આપવામાં આવશે. વર્ષ 2003-04 થી 2025-26 સુધીના બાકી રહેલા વેરાની પૂરી રકમ ભરી દેવાથી કરદાતાઓને આ યોજનાનો લાભ મળશે. વર્ષ 2024-25 સુધીના બિલમાં ફક્ત વ્યાજની રકમ બાકી હોય તેવા કરદાતાઓને પણ આ યોજનાનો લાભ મળશે. કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે આ યોજનાનો હેતુ બાકી વેરાની અસરકારક વસુલાત સાથે મિલકતધારકોના ખાતા સેટલ કરવાનો છે જેથી પાલિકાને આવકમાં વધારો થાય અને નાગરિકોને રાહત મળે.

Most Popular

To Top