Vadodara

વેમાલીના નાગરીકો વિફર્યા, ‘વિકાસ નહીં તો વૉટ નહીં’


અમે ભાજપના કાર્યકર છીએ, પણ ભાજપ ના નેતાઓ જ તમારું સાંભળતા નથી


વડોદરાના વેમાલી વિસ્તારના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. રોડ રસ્તો એટલી બિસ્માર હાલતમાં છે કે જો કોઇ કાર જાય તો ત્યાં રસ્તામાં ફસાઈ જાય. રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી માટે તંત્રના પાપે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિકસિત ગુજરાતની વાતો વચ્ચે વડોદરાનું વેમાલી ગામ કોર્પોરેશનમાં સમાવિષ્ટ હોવા છતાં વિકાસથી વંચિત રહેતાં આજે સ્થાનિકોએ રોડ પર ઉતરી પોતાની માંગણીઓ અંગે તંત્ર સુઘી અવાજ પહોંચે તે માટે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
સાથે જ તેઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વિકાસ નહીં તો વોટ નહીંનો નારો આપી, લોકોને જગાડી, તંત્રને જગાડવા અંગે પોસ્ટર બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.


વેમાલી વિસ્તારના 50 જેટલી સોસાયટીના આગેવાનો અને અન્ય જાગૃત લોકો અહીંયા ભેગા થયાં હતા. વેમાલી વિસ્તાર કેટલાય સમયથી કોર્પોરેશનમાં હોવા છતાં કોઈ વિકાસ થયો નથી. કોઈપણ પ્રકારની કોર્પોરેશન દ્વારા સુવિધાઓ આપવામા આવતી નથી. કોર્પોરેશનમાં વેરો ચાલુ થઈ ગયો છે અને ભરવા છતાં પણ સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. વારંવાર સ્થાનિક કક્ષાએ રજૂઆત છતાં પણ કોઈ પરિણામ મળ્યું નથી. જેના કારણે આજે વિરોધ કર્યો છે.

થોડા સમય પહેલા આશરે રૂ. 10 લાખનો ખર્ચ તંત્ર દ્વારા રોડ માટે કરવામાં આવ્યો હતો. અને આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ આ રસ્તે આવી પરિસ્થિતિ સર્જાઇ હોય તો તંત્રની કામગીરી પર સવાલો ઊભા થાય છે. ફક્ત ચૂંટણી સમયે નેતાઓ વોટ માંગવા માટે આવતા હોય છે ત્યારબાદ વેમાલી વિસ્તારમાં નેતાઓ કોઈ સ્થાનિક લોકોના કામ માટે ફરકતા પણ નથી.
સ્થાનિકોનું કેવું છે ભારતીય જનતા પાર્ટીને અમે ખોબે ખોબા ભરીને વોટ આપ્યા છે અને અમે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને જ મત આપીને વિજય બનાવ્યા છે. છતાં અમારી સાથે ખૂબ અન્યાય થયો છે. પ્રાથમિક સુવિધાથી વંચિત આજે લગભગ 50 સોસાયટીના રહીશો ભેગા થઈને મંત્રીઓને અને મુખ્યમંત્રીને મીડિયાના માધ્યમ દ્વારા આવેદન આપીએ છીએ કે અમારી સાથે થયેલો અન્યાય એ જુએ અને તાત્કાલિક ધોરણે અમારી સોસાયટીના પ્રાથમિક પ્રશ્નો ન્યાય મળે રોડ રસ્તા પાણી જેવા અનેક કામો થયા નથી જેનાથી અમને ખૂબ તકલીફ અને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.


સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું ચોમાસાના સમયમાં સ્મશાન સુધી જવા માટેનો રોડ પણ કાદવ કિચડ વાળો હોવાથી નનામી ટ્રેક્ટરમાં મૂકીને લઈ જવા અમે મજબૂર હતા. તે છતાં પણ ટ્રેક્ટર ઊંધું પડી ગયું હતું અને નનામી કાદવમાં પડી ગઈ હતી. અનેકવાર અરજીઓ કર્યા છતાં ફરિયાદો કર્યા પછી પણ અમારા વિસ્તારમાં વિકાસ નથી વિકાસના નામે વોટો લેવાય છે. પરંતુ અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. અમે વિકાસથી વંચિત જ રહેવું પડે છે. જેથી આજે અમે ચક્કાજામનો કાર્યક્રમ કરી પાલિકાના અધિકારીઓને સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો છે.
વધુમાં જણાવતા સ્થાનિકે કહ્યું હતું કે જો ટૂંક સમયમાં પ્રાથમિક સુવિધા રોડ રસ્તા પાણી અને અન્ય વિકાસ અમારા વિસ્તારમાં નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ વખતે ચોમાસામાં ખરાબ રસ્તા, ભૂવાઓ, પાણી ભરાઇ જવાની સમસ્યાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલપ કરવામાં આવતા વડોદરાનો વિકાસ કઇ દિશા તરફ આગળ વધી રહ્યો છે, તેવો અંદાજો લગાડવો સરળ છે. વેમાલી વિસ્તારના લોકોની સમસ્યા દુર કરવા માટે તંત્ર કેટલા સમયમાં કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Most Popular

To Top