Vadodara

વેપાર વિકાસ એસો.ની ન્યાયમંદિર મ્યુઝિયમ પ્રોજેક્ટ શરૂ કરવાની માંગ

વડોદરાના ચાર મહત્વના પ્રશ્નો અંગે વેપારીઓની મુખ્યમંત્રીને રજુઆત

પદમાવતી શોપિંગ સેન્ટર, ટ્રાફિક-પાર્કિંગ સમસ્યા અને 2024ના પૂરમાં થયેલા નુકસાન અંગે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

વડોદરા: વડોદરા શહેરના 35 હજારથી વધુ વેપારીઓના પ્રતિનિધિત્વ ધરાવતા વડોદરા વેપાર વિકાસ એસોસીએશન દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શહેરના વિવિધ પ્રશ્નો માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે. શહેરની હ્રદયસ્થળે આવેલ પૂર્વ ન્યાયમંદિરની ઇમારત ગાયકવાડી યુગની વિરાસત છે. વર્ષ 2018થી વેપારીઓ અને નાગરિક સંસ્થાઓ દ્વારા આ ઇમારતને મ્યુઝિયમ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. બે વખત રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા છતાં હજુ સુધી આ ઇમારત માટે કોઈ પણ પ્રકારનું આયોજન શરૂ કરાયું નથી. હાલ આ ઇમારત અસામાજિક તત્વો માટે અભયારણ્ય બની છે. વેપાર વિકાસ એસોસીએશને તાત્કાલિક કાર્યવાહી કરીને મ્યુઝિયમનો પ્રોજેક્ટ શરૂ કરવાની માંગ કરી છે.

વડોદરાની મધ્યમાં આવેલી પદમાવતી શોપિંગ સેન્ટરમાં 240થી વધુ વેપારીઓ વર્ષોથી વ્યવસાય કરે છે. મહાનગરપાલિકાના હેરીટેજ પ્લાન હેઠળ આ સેન્ટરને તોડવાનું નક્કી કરાયું છે. વેપારીઓ અને પાલિકા વચ્ચે હાલમાં આ મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. વેપારીઓએ માગ કરી છે કે કાયદાકીય નિર્ણય આવતાં સુધી હાલની સ્થિતિ યથાવત રાખવામાં આવે. સાથે જ આ વિસ્તારને બહુમાળી પાર્કિંગ અને વેપાર કેન્દ્ર તરીકે વિકસાવવા માટે યોજના બનાવાય. શોપિંગ સેન્ટરમાં હાલ બેઝમેન્ટમાં પારાવાર ગંદકી છે, વરસાદમાં પાણી ભરાય છે જેનું ઉકેલ તાત્કાલિક જોઈએ. જો સમીક્ષાત્મક પ્લાનિંગ થાય તો પાર્કિંગ તથા વેપાર બંનેને સંભાળી શકાય છે. શહેરના 15 હજારથી વધુ દુકાનોમાં રોજગારી કરતો વેપારી વર્ગ ટ્રાફિક જામ, પથારાવાળા અડચણો અને પાર્કિંગના અભાવથી પરેશાન છે. ગ્રાહકો પણ હવે ટ્રાફિક અને પાર્કિંગના કારણે શહેરના બજારો તરફ આવવાનું ટાળી રહ્યા છે. શહેરના પાંચ લાખથી વધુ લોકોની આવક આ વ્યવસાય સાથે જોડાયેલી છે. યોગ્ય પાર્કિંગ અને જાહેર શૌચાલયોની સુવિધા કરવા પણ માંગ કરાઈ છે.

ગયા વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી અને આજવા ડેમમાંથી પાણી ફરી વળીને શહેરના 70% વિસ્તારમાં પ્રવેશી ગયું હતું. હજારો વેપારીઓને લાખોનું નુકસાન થયું હતું. રાજ્ય સરકારે બજેટ ફાળવ્યું હોવા છતાં વાસ્તવિક કાર્ય હજી સુધી થયું નથી. વેપારીઓએ મુખ્યમંત્રીને માગ કરી છે કે વિશ્વામિત્રી અને આજવા ડેમના સ્ત્રોતો માટે તાત્કાલિક કાયમી ઉકેલ લાવવામાં આવે.

Most Popular

To Top