તાંદલજામાં મોપેડ સવાર ત્રિપુટીએ એક્ટીવા ઉભી રખાવી ચપ્પુ બતાવી “ડેકી ખોલ અને પૈસા આપી દે” કહી ધમકી આપી , મોબાઈલ પણ છીનવી લઈને ત્રિપુટી ભાગી ગઈ
વેપારી દુકાનનું દૈનિક કલેક્શન લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે લૂંટારૂઓએ ટાર્ગેટ બનાવ્યા
વડોદરા:
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં બુધવારે સાંજના સમયે વેપારી સાથે બનેલી લૂંટની ઘટનાએ ભયનો માહોલ સર્જ્યો હતો. મોપેડ પર આવેલા ત્રણ અજાણ્યા લૂંટારૂઓ ચપ્પુ બતાવી ધમકી આપી વેપારી પાસેથી રૂ. 3.50 લાખથી વધુની રકમ અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે.
તાંદલજા વિસ્તારમાં રહેતા હુસૈન કાઈદભાઈ સાહેરવાલા (ઉ.વ.27) એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ સાહેરી પ્લાય સેન્ટર નામે દુકાન ધરાવે કરે છે. તેઓ દુકાનનું દૈનિક કલેક્શન લઈને એક્ટીવા પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે સાંજે આશરે 6:30 વાગ્યાના અરસામાં કિસ્મત ચોકડીથી મહારાજા ચાર રસ્તા વચ્ચે દેવદાસ ફાર્મ પાસે પહોંચતા પાછળથી વાદળી રંગની મોપેડ પર આવેલા ત્રણ શખ્સોએ તેમની એક્ટીવાને રોકી હતી.
મોપેડ ચાલકે ચાલતી એક્ટીવા પર પગ મૂકી વાહન અટકાવ્યું અને ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ એક શખ્સ નીચે ઉતરી ચપ્પુ બતાવી “ડેકી ખોલ અને પૈસા આપી દે” કહી ધમકી આપી હતી. ડરી ગયેલા વેપારીએ એક્ટીવા સાઇડમાં મૂકી દીધી હતી.
લૂંટારૂઓએ ડેકી ખોલીને તેમાં મુકેલા રૂ. 3.50 લાખ રોકડ લઈને સાથે જ વેપારી પાસેથી મોબાઈલ પણ છીનવી લીધો હતો. ઘટના બાદ ત્રણેય આરોપીઓ મોપેડ પર ફરાર થઈ ગયા હતા. બાદમાં વેપારીએ આસપાસના લોકોને જાણ કરી પરિવારજનોને બોલાવી પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે લૂંટનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.