નવસારી : નવસારીના જલાલપોર ખાતે રહેતી પરીણિતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના વેડછા ગામે વૃતિબેન પ્રફુલભાઈ ટેલરના લગ્ન ગત 2015 માં નવસારી તાલુકાના જમાલપોર ખાતે રહેતા મનીષભાઈ રણજીતભાઈ ટેલર સાથે થયા હતા. લગ્નના બે-ત્રણ મહિના બાદ પતિ મનીષભાઈ, સાસુ ઉષાબેન, સસરા રણજીતભાઈ, નણંદ હેમાબેન, નણંદ પ્રીતીબેન અને નણંદ અર્ચનાબેન ભેગા મળી વૃતીબેનને કામકાજ અને રસોઈ બનાવવા બાબતે મેહણા-ટોણા મારી અપશબ્દો બોલતા હતા.
સાસુ નાની-નાની બાબતે લડાઈ-ઝઘડો કરીને ત્રાસ આપતા હતા
ગત 2016 માં રક્ષાબંધન હોવાથી વૃતિબેન તેના પિયરે જવાનું કહેતા મનીષભાઈએ તેણીને પિયરે જવા ણા પડી અપશબ્દો બોલી માર માર્યો હતો. ત્યારબાદ ગત 2017 માં વૃતિબેન નોકરીએ જવાનું શરૂ કરતા નણંદ અર્ચનાબેન કામકાજ પૂર્ણ કરવા બાબતે સાસુ ઉષાબેનને ચઢામણી કરતા નાની-નાની બાબતે લડાઈ-ઝઘડો કરીને માનસિક ત્રાસ આપતા હતા. નણંદ હેમાબેન પણ નજીવી બાબતે મેહણાં-ટોણા મારતા હતા. લગ્ન જીવન દરમિયાન વૃતીબેને પુત્રીને જન્મ આપતા તે બાબતે પણ સાસરીયાઓએ પુત્રની ઈચ્છા રાખી હતી.
પિતાને ફોન કરી છૂટાછેડા કરી નાંખવા માટે જણાવ્યું
જે બાબતે પણ નણંદ પ્રીતિબેન વૃતીબેનની માતાને ગમેતેમ બોલ્યા હતા. વૃતીબેનની પુત્રીનું શાળામાં વેકેશન હોવાથી તેણીએ મામાના ઘરે જવાનું હોવાથી વૃતિબેન તેમની દીકરી સાથે વેડછા પિયરે ગઈ હતી. ત્યારે સસરા રણજીતભાઈએ વૃતીબેનના પિતાને ફોન કરી છૂટાછેડા કરી નાંખવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પણ પતિ મનીષભાઈએ વૃતીબેનને રસ્તામાં રોકી તેણીને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી વૃતીબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ મનીષભાઈ, સાસુ ઉષાબેન, સસરા રણજીતભાઈ, નણંદ હેમાબેન, નણંદ પ્રીતીબેન અને નણંદ અર્ચનાબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હે.કો. રમીલાબેનને સોંપી છે.