Kalol

વેજલપુર પાસે હોટલ પાર્કિંગમાં તસ્કરો ત્રાટક્યા: ભોપાલના કોન્ટ્રાક્ટરની કારનો કાચ તોડી રૂ. 1 લાખની ચોરી

પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા, પરત ફરતી વખતે રાત્રે વેજલપુર નજીક આવેલી હોટલ ગ્રાન્ડ એકતા ખાતે જમવા માટે રોકાયા હતા

કાલોલ:
પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા મધ્યપ્રદેશના ભોપાલના સરકારી કોન્ટ્રાક્ટરની કારને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ હોટલના પાર્કિંગમાંથી રૂ. 1 લાખથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા વિસ્તારમાં ચકચાર મચી છે. બનાવ અંગે વેજલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ ભોપાલના સરકારી કોન્ટ્રાક્ટર વિનોદપ્રસાદ યાદવ પોતાના મિત્ર અને ડ્રાઈવર સાથે બોલેરો કારમાં પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. પરત ફરતી વખતે રાત્રે વેજલપુર નજીક આવેલી હોટલ ગ્રાન્ડ એકતા ખાતે જમવા માટે રોકાયા હતા. કાર પાર્કિંગમાં લોક કરીને મુક્યા બાદ પરત ફરતા કારની સાઈડનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો.
કારની તપાસ કરતા પાછળની સીટ પર રાખેલા મરુન રંગના પાકીટમાંથી રૂ. 1,00,000 રોકડા તેમજ અંદાજે રૂ. 500 થી 700 જેટલી પરચુરણ રકમ ગાયબ હોવાનું જણાયું હતું.
ચોરીની ઘટના બાદ હોટલના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોઈ સ્પષ્ટ માહિતી મળી નહોતી. ત્યારબાદ વિનોદપ્રસાદ યાદવે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી તસ્કરોને ઝડપી પાડવા તપાસ તેજ બનાવી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top