Business

વેજલપુર ગામના દબાણ મામલે નવો વળાંક, સિટી સર્વેની દેખાવ પૂરતી કાર્યવાહીથી અરજદાર નારાજ

પૂરાવા સાથે વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆત

કાલોલ | તા. 17

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણ બાબતે ફરી એક વખત ગંભીર મુદ્દો સામે આવ્યો છે. સિટી સર્વે વિભાગ દ્વારા તારીખ 15/12/2025ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી હોવાનું આક્ષેપ સાથે અરજદારે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

માત્ર ઓટલાનું દબાણ દૂર, કોમર્શિયલ બાંધકામ યથાવત

વેજલપુર ગામે આવેલ સિટી સર્વે નંબર 333/બ, જેનું કુલ ક્ષેત્રફળ 223.2467 ચોરસ મીટર છે, તે સરકારી મિલકત પર મસમોટું કોમર્શિયલ દબાણ હોવા છતાં સિટી સર્વેના અધિકારીઓએ માત્ર ઓટલાનું દબાણ દૂર કરી કાર્યવાહી પૂર્ણ કર્યાનો દેખાડો કર્યો હોવાનું અરજદારે જણાવ્યું છે.

રણછોડરાય વાસણ ભંડાર’માં સરકારી જમીન પર બાંધકામ

આ સિટી સર્વે નંબરમાં રણછોડરાય વાસણ ભંડાર નામની દુકાન આવેલ છે, જેમાં સરકારી જમીન ઉપર મોટા પાયે કોમર્શિયલ બાંધકામ કરવામાં આવ્યું હોવા છતાં સિટી સર્વેના અધિકારીઓએ કોઈ અસરકારક કાર્યવાહી કરી નથી. દબાણદાર સાથે સાંઠગાંઠ કરી કોમર્શિયલ દબાણને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ગંભીર આક્ષેપ અરજદારે કર્યો છે.

તાલુકા સ્વાગત અને ઉચ્ચ અધિકારીઓના આદેશોની અવગણના

અરજદાર દ્વારા આ મુદ્દે અગાઉથી જ વિવિધ કચેરીઓ તેમજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નકશા તથા સિટી સર્વેની નકલ સાથે રજૂઆત કરવામાં આવી હતી. 28/10/2025ના રોજ સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર દ્વારા સિટી સર્વે અધિકારીને એક દિવસમાં દબાણ દૂર કરવાનો આદેશ અપાયો હતો. ત્યારબાદ 26/11/2025ના રોજ પ્રાંત અધિકારી દ્વારા 15 દિવસમાં દબાણ દૂર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. છતાં પણ સિટી સર્વે વિભાગે માત્ર ઓટલાનું દબાણ તોડી અરજદાર તેમજ સરકારને ગેરમાર્ગે દોર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગ્રામ પંચાયતના વહીવટ અંગે પણ ગંભીર આક્ષેપ

અરજદારે વધુમાં જણાવ્યું છે કે વેજલપુર ગ્રામ પંચાયતના આદિવાસી મહિલા સરપંચ અભણ હોવાથી પંચાયતનો સમગ્ર વહીવટ ડેપ્યુટી સરપંચ પતિ દ્વારા સંચાલિત થાય છે. આ સ્થિતિનો લાભ લઈ સરકારી જમીન ઉપર કોમર્શિયલ દબાણ કરવામાં આવ્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.


ઉચ્ચ સ્તરીય પેનલ ટીમ રચી ફરી માપણી કરવાની માંગ

અરજદારે માંગ કરી છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની પેનલ ટીમ રચવામાં આવે, સિટી સર્વેની નકલ મુજબ ચોક્કસ અને પારદર્શક માપણી કરવામાં આવે, દબાણદાર તેમજ ખોટી માપણી કરનાર સિટી સર્વે અધિકારી સામે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ લેખિતમાં આપી છે.
ગતિશીલ ગુજરાત’ સામે ઊભા થતા સવાલો

એક તરફ ગતિશીલ ગુજરાતની વાતો થાય છે, ત્યારે બીજી તરફ સરકારી વિભાગોના અધિકારીઓ દબાણદારોને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ સિટી સર્વે નંબર 333/બ (ક્ષેત્રફળ 223.2467) મુજબ દબાણ દૂર કરી ખુલ્લું કરશે કે પછી દબાણદારોને છૂટો દોર અપાશે.

Most Popular

To Top