ગોત્રી વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટી વિભાગ-2ના બંધ મકાનનમાં તસ્કરો ત્રાટક્યાં
પાડોશીએ ફોન કરી ચોરીની જાણ કરતા વૃદ્ધે તાત્કાલિક દોડી આવી ફરિયાદ નોંધાવી
પ્રતિનિધિ વડોદરા તા.6
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા વૃદ્ધ ભરૂચ ખાતે રહેતી તેમની દીકરીના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી રૂ. 5.81 લાખની મતાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. પાડોશીએ વૃદ્ધને ફોન કરી ચોરી થઇ હોવાની જાણ કરતા વૃદ્ધે તાત્કાલિક દોડી આવીને ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટી વિભાગ-2માં રહેતા શનાભાઈ શંકરભાઈ વસાવા નિવૃત જીવન ગુજારે છે. 4 સપ્ટેમ્બરના રોજ વૃદ્ધ મકાનના દરવાજાને સાંજના આશરે ચારેક વાગે તાળુ મારીને ભરૂચ ખાતે રહેતી તેમની દીકરીની ઘરે ગયા હતા અને તેઓ એક દિવસ ત્યાં રોકાયાં હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ચોરી કરી ફરાર થઇ ગયા હતા. 5 સપ્ટેમ્બરના સવારના દશેક વાગે તેમના પાડોશમાં રહેતા લક્ષ્મીબેન ભરતભાઈ પરમાર જાગ્યા ત્યારે તેમને મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. જેથી પાડોશી મહિલાએ વૃદ્ધને ફોન કરી તમારા મકાનના દરવાજાનું તાળુ તુટ્યું છે. જેથી વૃદ્ધ ભરૂચથી નીકળી તત્કાલિક ઘરે દોડી આવ્યાં હતા ત્યારે મકાનના દરવાજાને મારેલુ તાળું દરવાજા પાસે નીચે પડેલુ હતું. જેથી વૃદ્ધે બેડરૂમમાં મુકેલી તિજોરી ચેક કરતા ખુલ્લી હતી અને કપડાં સહિતનો સામાન વેર વિખેર કરી નાખ્યો હતો. ત્યારબાદ વૃદ્ધે પૂજા રૂમમાં મુકેલી તિજોરીમાં તપાસ કરી હતી ત્યારે ડ્રોવરો તુટેલ તથા તેમાં મુકેલા સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.5.81 લાખ માલમતાની ચોરી કરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી વૃદ્ધે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને પગેરુ મેળવવા તજવીજ હાથ ધરી છે.