માર મારી આંખમાં મરચાની ભૂક્કી નાખી વારસીયાના વેપારીને લૂંટનાર ગેંગ ઝડપાઈ
વારસીયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં લૂંટારુઓને દબોચ્યા
લૂંટારાઓ પાસેથી ભારતીય તેમજ વિદેશી ચલણી નોટો મળતાં પોલીસ પણ ચોંકી
પ્રતિનિધિ, વડોદરા, તા. 18 :
વારસીયા વિસ્તારમાં રહેતા ગિફ્ટની દુકાન ધરાવતા વૃદ્ધ વેપારી પાસેથી રૂપિયા 10 લાખની લૂંટ ચલાવનાર ગેંગને વારસીયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીથી ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવી છે. આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ભારતીય તથા જુદા-જુદા દેશોની ચલણી નોટો, ચાર મોબાઇલ ફોન અને બે બાઇક સહિત રૂ. 2.71 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જીવનભારતી સ્કૂલ પાસે આવેલી ગિફ્ટની દુકાનમાંથી વેપારી લીલારામ લાકડમલ રેવાણી 16 જાન્યુઆરીના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે પોતાની કારમાં રૂપિયા 10 લાખની રોકડ લઈને વારસીયાના તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન બાઇક અને એક્ટિવા પર આવેલા ચાર શખ્સોએ તેમનો પીછો કર્યો હતો.
વૃદ્ધ વેપારી કારમાંથી ઉતરતાં જ બે શખ્સોએ તેમને માર માર્યો હતો અને આંખમાં મરચાની ભૂક્કી નાખી રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાના સમયે એક લૂંટારાની ગાડી ચાલુ ન થતાં તે સ્થળ પર જ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય ચાર આરોપીઓ ભાગી ગયા હતા. વેપારીની બુમરાણથી આસપાસના લોકો એકઠા થયા હતા અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ મામલે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી ગઈ હતી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા, ડી. તુવર અને એન.જી. જાડેજાની સૂચનાથી અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ, ટેકનિકલ ડેટા અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભૂતડી ઝાંપા વિસ્તારમાંથી લૂંટારુ ગેંગના સભ્ય હિરેન વસાવા (રહે. આણંદ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલી બેગમાં તપાસ કરતા ભારતીય ચલણ ઉપરાંત જુદા-જુદા દેશોની ચલણી નોટો મળી આવી હતી. શરૂઆતમાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા, પરંતુ કડક પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલી અન્ય સાગરીતોના નામ ખુલ્લા પાડ્યા હતા.
આ આધારે પોલીસે લૂંટ માટે ટિપ્સ આપનાર શનાભાઈ વાઘેલા સહિતના અન્ય આરોપીઓને પણ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લૂંટની રકમ, વિદેશી ચલણ, ચાર મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ રૂ. 2.71 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા આરોપીઓ
શનાભાઈ ઉર્ફે ભલા ચંદુ વાઘેલા (ઉ.વ. 35, રહે. શિવધારા એપાર્ટમેન્ટ, વારસીયા, વડોદરા)
આકાશ વિરૂ દેવીપુજક (ઉ.વ. 23, રહે. જલારામ પાર્ક સોસાયટી, આણંદ)
રવિ મુન્ના ઠાકોર (ઉ.વ. 22, રહે. રાધિકા પાર્ક સોસાયટી, આણંદ)
અતુલ અશોક દેવીપુજક (ઉ.વ. 19, રહે. જલારામ પાર્ક સોસાયટી, આણંદ)
હિરેન મિનેષ વસાવા (ઉ.વ. 20, રહે. વિનું દરબારની ચાલી, આણંદ)
રાહુલ રમેશ મારવાડી (ઉ.વ. 20, રહે. આજવા રોડ, વડોદરા)
અનિલ મગન પરમાર (ઉ.વ. 29, રહે. ખોડિયારનગર, વડોદરા)
: વિદેશી ચલણી નોટો અંગે તપાસ
લૂંટારાઓ પાસેથી મોટી માત્રામાં ભારતીય તથા વિદેશી ચલણી નોટો મળી આવતાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ રકમ ક્યાંથી આવી અને અન્ય કોઈ ગુનાથી જોડાયેલી છે કે નહીં. આ માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે લૂંટની સમગ્ર રકમ વેપારીની જ હતી કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
બોક્સ
: 10 દિવસ અગાઉ કરવામાં આવી હતી રેકી
પોલીસ સૂત્રો મુજબ શનાભાઈ વાઘેલાએ અંદાજે 10 દિવસ પહેલા કારેલીબાગની દુકાનમાં જઈ વેપારીની રેકી કરી હતી. વેપારી મોટી રોકડ કારમાં લઈ ઘરે જાય છે તેવી માહિતી મેળવી તેણે આણંદ અને વડોદરાના સાગરીતોને લૂંટ માટે ટિપ્સ આપી હતી અને પૂર્વનિયોજિત રીતે લૂંટનો અમલ કરવામાં આવ્યો હતો.