10 દિવસમાં તપાસ દરમિયાન ટાઉન પોલીસ કંઈ ન ઉકાળી શકતા SOGને તપાસ સોંપાઈ
નડિયાદ શહેરના હાર્દ્સમાં એક ભરચક વિસ્તારમાં વૃદ્ધાને ધોળા દિવસે હાથમાં ગોળી વાગવાની ઘટના બની હતી.આજે આ ઘટનાને 11 દિવસ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ નડિયાદ ટાઉન પોલીસ આ અંગે કોઈ નક્કર કામગીરી કરી શકી નથી. 10 દિવસ ટાઉન પોલીસના હાથ ખાલી રહેતા હવે આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવાનો નિર્ણય કરાયો છે, હવે આ મામલે SOG કઈ દિશામાં તપાસ કરે છે, તેની પર સૌની નજર છે.
નડિયાદ શહેરના પંચકુઈ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને પોતાના મકાનની ગેલેરીમાં હતા અને દરમિયાન હાથમાં અચાનક ઈજા થઈ. તે પછી એક નાના ક્લિનિકમાં લઈ જવાયા અને બાદમાં એક્સ-રે કરાવતા હાથમાં કોઈ મેટલ દેખાતા, ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં હાથમાંથી બંદૂકની ગોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વૃદ્ધાની હત્યાના ઈરાદે અજાણ્યા ઈસમ દ્વારા ગોળી ચલાવાઈ હોવાની ફરીયાદ નડિયાદ ટાઉન મથકે નોંધાઈ હતી. આ ઘટનાની તપાસ ખુદ નડિયાદ ટાઉન PI એમ.બી. ભરવાડ કરી રહ્યા હતા. જો કે, 10 દિવસની તપાસમાં ટાઉન PIને ઘટનાને લગતી કોઈ મજબૂત કડી હાથ લાગી નથી અને આ ઘટના પાછળની સાચી હકીકત જાણવામાં પણ ટાઉન પોલીસનો પન્નો ટુંકો પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટાઉન પોલીસ તપાસમાં નબળી પુરવાર થતા આ ઘટનાની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દેવાઈ છે. આ મામલે SOG PI ડી.એન. ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, આ અંગે તપાસ સોંપવાનો હુકમ થયો છે, હુકમની નકલ મળ્યેથી તપાસ શરૂ કરીશુ. જો કે, આ તરફ 10 દિવસ સુધી તપાસ કરનારા નડિયાદ ટાઉન PIએ જોરશોરથી તપાસ શરૂ કર્યા બાદ પોતાની જ હદ વિસ્તારમાં આ ઘટના કઈ રીતે બની, તેનુ પણ ચોક્કસ તારણ કાઢવામાં ઉણા ઉતર્યા છે. જેથી હવે તપાસ SOGને સોંપાતા સમગ્ર મામલે તપાસના અંતે શું બહાર આવે છે, તે જોવુ રહ્યુ.
