Vadodara

વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન

સાંકડો રોડને કારણે જીવલેણ અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યા

જીવલેણ અકસ્માત થાય તે પહેલા તાત્કાલિક પગલા લેવાની માંગ

( પ્રતિનિધિ )વડોદરા,તા.10

વડોદરાના વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન ચાલે છે અને મંગલ પાંડે રોડ તરફથી આવતા ક્રોમા વાળા બિલ્ડીંગ પાસે અત્યંત સાંકડો રોડને કારણે જીવલેણ અકસ્માતો અને ટ્રાફિક જામ ની સમસ્યા થાય છે, વધુ જીવલેણ અકસ્માત થાય તે પહેલા તાત્કાલિક પગલા લેવાની માંગ સાથે એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી.

વડોદરા કોર્પોરેશને મોટાભાગના રોડ જંકશન પર સિગ્નલ લાઈટો તો મૂકી દીધેલ છે, પરંતુ દરેક જગ્યા એ સિગ્નલ લાઈટો ના સેટિંગ બિલકુલ અનઘડ અને ધડપાયા વગરના કરેલા છે. મંગળવારે જીવલેણ અકસ્માત થયેલા વુડા સર્કલ પરના સિગ્નલ લાઈટ ના કરેલા સેટિંગ વિષે વિશ્વામિત્રી બચાવો સમિતિના આગેવાન અને એડવોકેટ શૈલેષ અમીને જણાવ્યું હતું કે, ફતેગંજથી એરપોર્ટ તરફ જવાનો અને એરપોર્ટ તરફથી ફતેગંજ તરફ જવા માટે ના બન્નેવ મુખ્ય રસ્તાઓ ના સિગ્નલ લાઈટો એક સાથે જ શરુ થાય છે. આથી ફત્તેગંજ થી આવી જમણી તરફ મુક્તાનંદ, મેન્ટલ હોસ્પિટલ તરફ જતા વાહનો સર્કલ પરથી જમણી તરફ વળવા જાય ત્યારે એરપોર્ટ થી ફત્તેગંજ તરફ જવા માટેના પણ સિગ્નલ ચાલુ થતા હોવાથી વાહનોનો સર્કલ પાસે જમાવડો થાય છે. આવીજ રીતે એરપોર્ટ તરફ થી આવી વુડા સર્કલ એલ એન્ડ ટી સર્કલ થઇ જમણી તરફ મંગલ પાંડે રોડ તરફ વળતા વાહનો ને તે જ સમયે ફત્તેગંજ થી એરપોર્ટ તરફ ના વાહનો માટે સિગ્નલ ચાલુ થતો હોવાથી સીધા જતા વાહનોને કારણે રસ્તો નહિ મળતા એરપોર્ટ તરફથી આવી ને મંગલ પાંડે રોડ તરફ જતા વાહનોનો પણ સર્કલ પાસે જમાવડો થાય છે. આમ વુડા સર્કલ એલ એન્ડ ટી સર્કલને ફરતે વાહનો નો જમાવડો થતો હોવાથી સીધા જતા ભારદારી વાહનોના ચાલકો સિગ્નલ બંધ થતા પહેલા નીકળવા માટે ડાબી તરફ જ્યાં સ્કુટર, સાયકલ કે મોટર સાયકલ ચાલકો જતા હોય છે તે ટ્રેક પર આવી સિગ્નલ લાઈટ બંધ થાય તે પહેલા ઝડપભેર નીકળી જવાનો પ્રયાસ કરતા હોય છે જે સ્કૂટર ચાલકો સાથે જીવલેણ અકસ્માત સર્જે છે. આવીજ રીતે કારેલીબાગ માં આવેલ મુક્તાનંદ સર્કલ પરના સિગ્નલ પણ ટ્રાફિક સરળ બને તેના કરતા વાહનવ્યવહાર માં અવરોધો ઉભા થાય તેવા સેટિંગ કરેલા જણાય છે. ટ્રાફિક જામ કરે તેવા સિગ્નલો કરતા તો વગર સિગ્નલે સરળતા થી આપમેળે વાહનવ્યવહાર સરળતા થી ચાલે છે, તેવું જયારે સિગ્નલ લાઈટો બંધ હોય ત્યારે અનુભવ્યું છે. આવીજ રીતે વુડા સર્કલને જોડતો સમા તરફથી આવતો મંગલ પાંડે રોડ છેલ્લા 50 મીટર જેટલો અત્યંત સાંકડો અંદાજે માત્ર 6 મીટર ની પહોળાઈ ધરાવતો રહ્યો છે. સમા ના મંગલપાંડે રોડ તરફથી વુડા સર્કલ તરફ આવતા વાહનો માટે તો સાંજે ત્રણ વખત સિગ્નલ ખુલી ને બંધ થાય ત્યારે નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો જેવો નીકળવાનો ચાન્સ મળે તો ઉતાવળે વાહન ચલાવી ને વુડા સર્કલ ક્રોસ કરવા ના પ્રયાસો કરે છે. જે પણ જીવલેણ અકસ્માત સર્જે છે. આ રોડ ને પહોળો કરવા અમોએ છેલ્લા ઘણા સમયથી લેખિત માં માંગ પણ કરેલી છે અને રૂબરૂ રજૂઆત પણ કરેલી છે. વધુ જીવલેણ અકસ્માત થાય તે પહેલા વુડા સર્કલ પર મુકેલા અટપટા ચાલતા ટ્રાફિક સિગ્નલ ને યોગ્ય સેટિંગ કરવા અને વુડા સર્કલ જે જોડતા મંગલ પાંડે રોડ જે માત્ર 6 મીટર જેટલી પહોળાઈ ધરાવે છે તે રસ્તો તાત્કાલિક પહોળો કરવા માંગ કરવામાં આવી હતી.

Most Popular

To Top