મહીસાગર જિલ્લાના વીરપુરના નાડા ગામમાં કળયુગના પુત્રનું પરાક્રમ
જમવાનું બનાવવા બાબતે ઉશ્કેરાયેલા પુત્રે માથામાં લાકડીનો ઘા મારતાં માતા ત્યાંજ ઢળી પડ્યાં
(પ્રતિનિધિ) વીરપુર તા.22
વીરપુરના નાડા ગામના નિશાળ ફળીયામાં રહેતા કળયુગના પુત્રે તેની સગ્ગા જનેતાને માતામાં લાકડીનો ઘા મારી હત્યા કરી નાંખી હતી. માતાએ જમવાનું બનાવવામાં સમય લાગશે તેમ કહેતાં પુત્ર ઉશ્કેરાઇ ગયો હતો અને ગડદાપાટુનો મારમારી લાકડીનો ફટકો મારી દીધો હતો. જેના કારણે માતાનું ત્યાં જ ઢીમ ઢળી પડ્યું હતું. આ અંગે વીરપુર પોલીસે પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
વીરપુરના નાડા ગામના નિશાળ ફળીયામાં રહેતા મધીબહેન માલીવાડ 21મી જુલાઇની રાત્રે ઘરે હતાં. આ સમયે તેમનો પુત્ર પર્વત રમેશભાઇ માલીવાડ ઘરે આવ્યો હતો અને મધીબહેનને તાત્કાલિક જમવાનું બનાવવા કહ્યું હતું. જોકે, મધીબહેને તેને જમવાનું તૈયાર નથી. તેમ કહેતા પર્વત ઉશ્કેરાઇ ગયો હતો અને નજીકમાં પડેલી લાકડી ઉપાડી સીધા જ તેની માતા મધીબહેન પર હુમલો કરી દીધો હતો અને જમવાનું નહીં બનાવી આપે તો તારા ટાંગા તોડી નાંખીશ. તેવી ધમકી આપી મધીબહેનને ગડદાપાટુનો મારમારવા લાગ્યો હતો. બાદમાં માથામાં લાકડીનો ઘા મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી અને ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યાં હતાં. આ હુમલામાં ભરતભાઈ માલીવાડ વચ્ચે પડતાં તેમને પણ મારમારી ધમકી આપી હતી. જોકે, મધીબહેનનું મોત નિપજતાં પર્વત ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે વીરપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રમેશભાઈ માલીવાડની ફરિયાદ આધારે પર્વત રમેશભાઈ માલીવાડ સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.