વીરપુરની શાળા બાદ કોલેજ વિવાદમાં આવી, એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભુલ્યાં
કે.સી. શેઠ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના ગ્રાઉન્ડમાં કાર ઉપર બેસી જાહેરમાં શર્ટ કાઢી ડાન્સ કરતાં વિવાદ
(પ્રતિનિધિ) વીરપુર તા.6
મહીસાગર જિલ્લાના વિરસદમાં આવેલી આર્ટ્સ કોલેજના વાર્ષિકોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ ભાન ભુલ્યાં હતાં. આ કોલેજના સાતથી આઠ વિદ્યાર્થીઓએ કાર પર ચડી ગયાં હતાં અને શર્ટ કાઢી ખુલ્લા શરીરે ગીતો પર ડાન્સ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેના પગલે કોલેજ સંચાલકો પણ બચાવમાં આવી ગયાં હતાં. આ કિસ્સો હાલ શિક્ષણવિદ્દોમાં ભારે ટીકાને પાત્ર બન્યો છે.
વીરપુરની કે.સી. શેઠ આર્ટસ કોલેજમાં ખાતે વાર્ષિકોત્સવ રાખવામાં આવ્યો હતો. તે દરમ્યાન કોલેજના ગ્રાઉન્ડમાં ચાલુ કારમાં સ્ટંટ કરી રહેલા વિદ્યાર્થીઓનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં ‘ચોલી કે પીછે ક્યાં હે’ જેવા ગીતો પર વિદ્યાર્થીએ શર્ટ કાઢીને ડાન્સ કરવામાં આવ્યો હતો. વીરપુરના શિક્ષણજગતને કલંકીત કરતી સપ્તાહમાં બીજી ઘટના બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. વીરપુરની કમળાબેન છબીલદાસ શેઠ આર્ટસ કોલેજ ખાતે એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ જોખમી સ્ટંટ કરતાંનો વીડિયો વાયરલ થયો હતો. કારની બારીમાંથી બહાર લટકીને સ્ટંટ કરતાં તો કેટલાક યુવકો કારની ઉપર અને બોનેટ પર બેસીને શર્ટના બટન ખુલ્લા રાખી તેમજ શર્ટ કાઢી હાથ ઉંચા કરી ડાન્સ કરતાનો વિડિયો વાયરલ થયો હતો.
આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં અંદાજીત 8થી 9 યુવકો કારની બહાર નીકળી તેમજ કારની ઉપર જોખમી ડાન્સ કરી રહ્યાં હતાં. જ્યારે ડ્રાઈવર સહિત અન્ય બેથી ત્રણ યુવકો કારની બારીમાંથી બહાર હાથ કાઢી નાચી રહ્યાં હતાં. કોલેજના અન્ય વિદ્યાર્થોના જીવ જોખમમાં મૂકનારા આવા વિદ્યાર્થીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે કે પછી ઉઠક બેઠક કરી છોડી દેવામાં આવશે ? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આથી, કોલેજના એન્યુઅલ ડેના કાર્યક્રમના સમય જ કોલેજના ગ્રાઉન્ડમાં આ રીતનો વિડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે. હાલ તો વિરપુર પોલીસે વાયરલ વિડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ અંગે વીરપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. ઝાલાએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયાના માધ્યમથી કાર પર ડાન્સ કરતા વિદ્યાર્થીઓનો વિડિયો મળ્યો છે. જે આધારે તપાસ કરવામાં આવી છે, હાલ કાર ચાલક તેમજ ડીજે વાળા પર કાર્યવાહી કરવામાં આવશે.