આરોગ્ય વિભાગે ગ્રામ પંચાયતને પત્ર લખી લીકેજ અટકાવવા પગલાં લેવા તાકીદ કરી
વીણા ગામમાં ઝાડા-ઉલ્ટીના બનાવો અંતર્ગત ગતરોજ જીલ્લા આરોગ્ય તંત્ર અને નડિયાદ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરેરાની કુલ 15 જેટલી આરોગ્ય ટીમ દ્વારા 240 ઘરો તેમજ 1250 જેટલી વસ્તીમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરતા કુલ 30 ઝાડાના તેમજ 1 ઝાડા-ઉલ્ટીના, એમ કુલ 31 કેસો મળી આવ્યા હતા. જે પૈકી હાલ 2 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જેઓની તબિયત હાલ સારી છે.
નડિયાદ તાલુકાના વીણા ગામમાં લઘુમતી વિસ્તારમાં એટલે કે ગામની મસ્જીદ પાછળ આવેલ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી ઝાડા-ઉલ્ટીના રોગએ માથું ઊંચક્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં 25 કરતાં વધુ દર્દીઓ આ રોગમાં સપડાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તો બીજી બાજુ આરોગ્ય તંત્રને ગતરોજ મંગળવારે જાણ થતા ટીએચઓ કચેરી દ્વારા આરોગ્યની ટીમો વીણા ગામમાં ઉતારી દેવામાં આવી હતી. અને ઘરે ઘરે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ બાબતે ગામના સરપંચને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ગામમાં પીવાની પાણીમાં જેટલા પણ લીકેજ હતા એ તમામ લીકેજને બંધ કરી દેવામાં આવ્યા છે અને પ્રજાને શુદ્ધ પાણી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારી ડો .વિપુલ અમીનને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પરીસ્થિતિ નિયંત્રણમાં છે. ગ્રામ પંચાયતને પત્ર લખી અમે તત્કાલ તમામ લીકેજ પૂરવા માટે સૂચન કર્યુ છે. આ સાથે જ ગામમાં પરીસ્થિતિ નિયંત્રણમા છે અને સિવિલ હોસ્પટિલમાં પણ જે દર્દીઓ દાખલ હતા, તેમાંથી મોટાભાગના દર્દીઓને રજા આપી દેવાઈ છે. હવે સિવિલ હોસ્પિટલમાં માત્ર 2 દર્દીઓ દાખલ છે. હજુ પણ અમારી 15 ટીમોમાં 30 આરોગ્ય કર્મચારીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સ, રોગચાળા અટકાયતી પગલાં, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી, ઓ.આર.એસ. વિતરણ, કલોરીનેશનની કામગીરી, લીકેજ શોધખોળ, આરોગ્ય શિક્ષણ અને સ્થળ પર સારવાર આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કલોરીનેશન યુક્ત શુદ્ધ સલામત પાણી પુરવઠો મળી રહે તે માટે પાઈપલાઈન લીકેજની સમસ્યા તાત્કાલિક ધોરણે હલ થાય તે માટે ગ્રામપંચાયત વીણાના સરપંચને જાણ કરવામાં આવી છે.