Vadodara

વીઝા બનાવવાના બહાને વેપારી પાસેથી રૂ. 7.75 લાખની ઠગાઈ

વિદેશના સપના બતાવી પડોશીએ જ વિશ્વાસ તોડ્યો


વડોદરા, તા. 18 :
વિદેશ અભ્યાસના સપના બતાવી પડોશી એજન્ટે જ વેપારી સાથે મોટી ઠગાઈ કરી હોવાની ઘટના વડોદરા જિલ્લામાં સામે આવી છે. કંડારી ગામના એક વેપારી પાસેથી તેમના પુત્ર અને ભાણેજના વિદેશના વીઝા બનાવી આપવાના બહાને માંજલપુરમાં ઓફિસ ધરાવતા એજન્ટે કુલ રૂપિયા 7.75 લાખ પડાવી લીધા હતા. બાદમાં ન તો કોઈ વીઝા મળ્યા, ન તો રૂપિયા પરત મળ્યા.
પેરિસથી પોલેન્ડ સુધી ફેરવાતું ‘પ્રોસેસ’
ફરિયાદી અમિતકુમાર સુરેશભાઈ પટેલ, હાલ માંજલપુર વિસ્તારમાં રહે છે અને કંડારી ગામે ગૃહઉદ્યોગ ચલાવે છે. તેમણે તેમના પુત્ર હેત પટેલ અને ભાણેજ હેત લોમેશ પટેલને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવાનું નક્કી કર્યું હતું.
કંડારી ગામમાં પાડોશમાં રહેતા અને વિદેશી વીઝા બનાવવાનું કામ કરતા મિલીનભાઈ પટેલ સાથે પરિવાર જેવા સંબંધો હોવાથી તેમણે સંપર્ક કર્યો હતો. એજન્ટે શરૂઆતમાં ફ્રાન્સ (પેરિસ)ના સ્ટુડન્ટ વિઝા બનાવવાની ખાતરી આપી અને રૂ. 25 હજાર રોકડા લીધા હતા.
થોડા દિવસ બાદ એજન્ટે માર્ક્સ ઓછા હોવાનું કહી ફ્રાન્સનો વીઝા શક્ય નથી તેમ જણાવ્યું અને તેના બદલે પોલેન્ડના વર્ક પરમિટ વીઝાની ઓફર મૂકી. એક વ્યક્તિ દીઠ રૂ. 7.50 લાખ ખર્ચ થવાનો હોવાનું જણાવી બંને યુવકો માટે કુલ રૂ. 15 લાખની વાત કરવામાં આવી.

16 જુલાઈ 2025ના રોજ વેપારીએ 50 ટકા પેમેન્ટ તરીકે રૂ. 7.50 લાખ બેંક ઓફ બરોડા મારફતે ચેક દ્વારા એજન્ટના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વોટ્સએપ પર પોલેન્ડ વર્ક પરમિટ મોકલવામાં આવ્યું, પરંતુ પૂછપરછ દરમિયાન કામ અધૂરું હોવાનું જણાયું.
આથી વેપારીએ વિદેશ જવાનું કેન્સલ કરી રૂપિયા પરત માગ્યા હતા. ત્યારે એજન્ટે 7 ઓક્ટોબર 2025ના રોજ પોતાની પત્ની પ્રિયંકા મિલીન પટેલના જોઈન્ટ એકાઉન્ટનો રૂ. 7.75 લાખનો ચેક આપ્યો હતો. જોકે 5 નવેમ્બર 2025ના રોજ ચેક બેંકમાં બાઉન્સ થયો હતો.
બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ એકાઉન્ટ ડભોઈ પોલીસની લીગલ નોટિસના કારણે ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ફરિયાદીનું કહેવું છે કે એજન્ટે રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ન તો રૂપિયા પરત આપ્યા છે, ન તો કોઈ વીઝા કે વર્ક પરમિટનું કામ કરી આપ્યું છે.
આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ વિરુદ્ધ ગુનો નોંઘી તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top