સાત દિવસમાં ન હટાવાય તો દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે
વડોદરા શહેરમાં વીજ થાંભલાઓ પર કેબલ નેટવર્ક અને ઈન્ટરનેટ પ્રોવાઈડર જેવી સંસ્થાઓ દ્વારા ગેરકાયદે રીતે ફાઈબર કેબલો, જંકશન બોક્સ, કંટ્રોલ કેબલો અને અન્ય ઉપકરણો લગાવવામાં આવ્યા હોવાનું વડોદરા મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેર નોટિસમાં જણાવાયું છે. આવા અનધિકૃત સ્થાપનોને લઈને હવે કોર્પોરેશન કડક કાર્યવાહી હાથ ધરવા જઈ રહ્યું છે.
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, શહેરમાં સ્ટ્રીટલાઈટના વીજ થાંભલાઓ પર લગાવવામાં આવેલા ગેરકાયદે ઉપકરણોના કારણે ન માત્ર લાઈટની નિયમિત જાળવણીમાં અવરોધ સર્જાય છે, પણ લાઇટના બ્રેકેટના ખડકારા અને પ્રકાશની દિશા પરિવર્તનના કારણે રાત્રે શહેરની દેખાવની સુંદરતામાં પણ ઘટાડો થાય છે. અનેક જગ્યાએ લાઇટના ખૂણા બદલાઈ જવાને કારણે માર્ગ પ્રકાશનો યોગ્ય લાભ નાગરિકોને મળતો નથી.
મહાનગરપાલિકાએ જાહેર નોટિસમાં ચેતવણી આપતાં જણાવ્યું છે કે આવાં તમામ ગેરકાયદે કેબલ, વાયર અને ઉપકરણો આગામી સાત દિવસની અંદર સ્વેચ્છાએ દૂર કરવામાં આવે. જો તે ન હટાવવામાં આવે, તો કોર્પોરેશન દ્વારા સંબંધિત સંસ્થાઓ તથા વ્યક્તિઓ સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સાથે જ, નોટિસમાં વધુમાં જણાવ્યું છે કે પાલિકા પોતાના સ્તરે પણ ગેરકાયદે વાયર અને ઉપકરણોને દૂર કરવાની કાર્યવાહી કરશે. આ પગલાંઓનો હેતુ શહેરની સૌંદર્યવૃદ્ધિ જાળવવાનો તથા સ્ટ્રીટલાઈટની કામગીરીમાં આવતો અવરોધ દૂર કરવાનો છે.