ત્રણ વર્ષના આંકડા માંગતા જ અધિકારી બોલ્યા, ‘બધા કામ છોડી એ જ કામ કરવું પડે’
વડોદરા: વડોદરા શહેરમાં પાણી જેવી પાયાની સુવિધા પૂરું પાડવામાં પણ મહાનગર પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી અનેક વિસ્તારોમાં નળજળના સ્થાને ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે, તેમ છતાં આ સમયગાળાના ટેન્કરથી વિતરણ થયેલા પાણીના આંકડા પાણી પુરવઠા વિભાગ પાસે જ નથી. વિભાગમાં અંદાજે 45 જેટલા ઈજનેરો કાર્યરત હોવા છતાં, શહેરમાં તમામ વિસ્તારમાં નળ દ્વારા પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ રહી છે. આ સ્થિતિમાંથી સ્પષ્ટ થાય છે કે, પાણી પુરવઠા વિભાગમાં જવાબદારીથી વધુ “યારી અને ભાગીદારી”ની વ્યવસ્થા ચાલી રહી છે.
હ. કાર્યપાલક ઈજનેર હેમલ રાઠોડ પાસે ત્રણ વર્ષના આંકડાઓ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જવાબ આપ્યો કે, “એક વર્ષના આંકડા હોય તો આપી શકીએ, પણ ત્રણ વર્ષના આંકડા માટે તો બધા કામ છોડી એ જ કામ કરવું પડે.” વિચારવું રહ્યું કે, જ્યાં માત્ર આંકડા જાળવવામાં આવા અઢીંધારું વલણ હોય ત્યાં પાણી વહેંચવાની કામગીરીમાં કેટલી બેદરકારી રહેશે તે ચિંતા જનક છે. મહત્વની વાત એ છે કે, તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ઈ-સરકારને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. પણ અહીંના અધિકારીઓ ડેટા જાળવવામાંજ નિષ્ફળ રહેતા હોય ત્યારે એવા હુકમો જમીન પર કેવી રીતે ઉતરે એ મોટો સવાલ છે. આ સાથે એવો પણ પ્રશ્ન ઊભો થાય છે કે, જો અણધારેલા અને અનુભવ વિનાના અધિકારીઓને કાર્યપાલક ઇજનેર જેવા હોદ્દા મળી જાય તો તેઓ કેવી કામગીરી કરશે અને શહેરના વતનના પ્રશ્નો કેવી રીતે ઉકેલાશે તેનું આ સીધું ઉદાહરણ પ્રતીત થઈ રહ્યું છે.