શહેરમાં રાત્રે માર્ગો પર વાહનોની અવરજવર ઓછી થતાં જ કેટલાક વાહનચાલકો બેફામ પોતાના વાહનો હંકારી લોકો માટે જોખમી બની રહ્યા છે. છતાં પોલીસ, ટ્રાફિક પોલીસ અને શહેરમાં લાગેલા મોનિટરીંગ વગરના સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તેમ જણાય છે.
ગત બુધવારે રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા કોતર તલાવડી વિસ્તારમાં રહેતા વિનોદભાઇ રાવળ પોતાની દસ વર્ષીય દીકરી દિપ્તી ઉર્ફે આયુને લઈ પોતાની બાઇક પર ચોખંડી થી પ્રતાપનગર તરફ જતા હતા. તે દરમિયાન બેફામ અને ગફલતભરી રીતે પૂર ઝડપે પ્રતાપનગર થી ચોખંડી તરફ આવી રહેલી એક આઇસર ટેમ્પો રજી.નં. જીજે.08.એયુ.8028 ના ચાલકે વિનોદભાઇ ની બાઇકને અડફેટે લેતાં પિતા અને પુત્રી રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેમાં દીકરી દીપ્તિ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે વિનોદભાઇ ને પણ ઇજાઓ પહોંચી હતી જ્યારે બાઇકને પણ નુકસાન થયું હતું.બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા સાથે જ વાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.