ભાગલા બાદ સરકાર દ્વારા ફાળવાયેલી દુકાનો પર બુલડોઝર ફરી વળતા રોષ
વૈકલ્પિક વ્યવસ્થા વિના કાર્યવાહી, પરિવારોએ ન્યાયની માંગ ઉઠાવી
પ્રતિનિધિ : બોડેલી
1947ની આઝાદી અને ભારત–પાકિસ્તાનના ભાગલા બાદ પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થઈ ભારત આવેલા સિંધી પરિવારો માટે બોડેલી ખાતે ઉભી કરાયેલી રોજગારની એકમાત્ર વ્યવસ્થા હવે તૂટી પડી છે. બોડેલીના મુખ્ય બજારમાં આવેલી 75 વર્ષથી વધુ જૂની કેબીનો બોડેલી નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા અનેક સિંધી પરિવારો રોજગારવિહોણા બની ગયા છે.

ભારત–પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનમાંથી સ્થળાંતર કરી આવેલા સિંધી પરિવારોને તે સમયની સરકાર દ્વારા બોડેલીના બજારમાં વેપાર માટે છ કેબીનો ફાળવવામાં આવી હતી. આ કેબીનોમાં છેલ્લા અનેક દાયકાઓથી આ પરિવારો નાના વેપાર કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા હતા. પરંતુ હવે આ ઐતિહાસિક કેબીનો પર બુલડોઝર ફરી વળતાં તેમની વર્ષોથી ચાલી આવતી today livelihood એક ઝાટકે છીનવાઈ ગઈ છે.
પીડિત પરિવારોનો આક્ષેપ છે કે તેમને તે સમયની સરકાર દ્વારા લેખિત ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં બોડેલી નગરપાલિકા બનશે અથવા માર્ગ વિકાસ કે અન્ય હેતુસર જો કેબીનો હટાવવાની જરૂર પડશે તો યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવશે. તેમ છતાં નગરપાલિકાએ તેમની રજૂઆત સાંભળ્યા વિના અને કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ કેબીનો તોડી પાડતાં ભારે અન્યાય થયો હોવાનું પરિવારોએ જણાવ્યું છે.
કેબીનો તોડી પાડવાની કાર્યવાહી બાદ તમામ પીડિત પરિવારો સામે ગુજરાનનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. વર્ષોથી વેપાર પર આધારિત આ પરિવારો અચાનક સંપૂર્ણ રીતે રોજગારવિહોણા બની ગયા છે, જેના કારણે તેમના પરિવારજનોમાં ચિંતાનું માહોલ છવાઈ ગયો છે.
પીડિત સિંધી પરિવારો હવે સરકાર અને બોડેલી નગરપાલિકા સમક્ષ માંગ કરી રહ્યા છે કે અગાઉ આપવામાં આવેલી ખાતરી મુજબ તેમને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર શરૂ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે અને વર્ષોથી ચાલતા અન્યાયનો અંત આવી શકે.