Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : રીટેન્ડરમાં માત્ર 8 જ ઇજારદારોએ ભાગ લીધો!

તમામ ટેન્ડર મૂળ કિંમત કરતાં ઊંચા ભાવે ખુલ્યા.

ભાવ ઓછા કરાવવા ઇજારદારો સાથે કોર્પોરેશનની ચર્ચા ચાલુ

વડોદરાની વિશ્વામિત્રી નદી ગત વર્ષે આવેલા ભયંકર પૂર પછી રાજ્ય સરકાર અને કોર્પોરેશન માટે મુખ્ય મુદ્દો બની ગઈ છે. શહેરને ભવિષ્યમાં આવનારા પૂરથી બચાવવા નદી ઉંડી કરવાની અને સફાઈની યોજના હાથ ધરાઈ છે, પણ પ્રોજેક્ટમાં રાજકીય વિખવાદ અને ટેન્ડર વિવાદો કારણે વિલંબ થતો દેખાઈ રહ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના કોર્પોરેશન દ્વારા રીટેન્ડર કરાયા હતા તે પણ હવે ઊંચા ભાવે ખુલ્યા છે. શરૂઆતમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 58.80 કરોડનું એકમાત્ર ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ભાજપના આંતરિક વિખવાદને કારણે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો અને પ્રોજેક્ટને ચાર અલગ-અલગ પેકેજમાં વહેંચવામાં આવ્યો. પરિણામે, નવી ટેન્ડર પ્રક્રિયા યોજાઈ, જેમાં કુલ રૂ. 61 કરોડના ખર્ચ માટે નવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યા.

નવી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર 8 ઇજારદારોએ ભાગ લીધો છે, જેમાંથી એક પેકેજ માટે તો માત્ર એક જ ઈજારદાર આવ્યો. વધુમાં, તમામ ટેન્ડર મૂળ કિંમત કરતાં ઊંચા ભાવે ખુલ્યા હોવાની માહિતી સામે આવી છે. બીજી તરફ, ગત મહિને સિંચાઈ વિભાગે શહેરની બહાર પસાર થતી વિશ્વામિત્રી નદી માટે ટેન્ડર બહાર પાડ્યા હતા, જેમાં સરેરાશ 40% ઓછી કિંમત સાથે ઇજારદારોએ ભાગ લીધો. આ તફાવતને કારણે હવે વિવાદ ઉઠી રહ્યો છે કે, શું કોર્પોરેશન પણ હવે સિંચાઈ વિભાગના પ્રમાણમાં નીચા ભાવથી ટેન્ડર ફરી પ્રકાશિત કરશે?


ટેન્ડર વિવાદ અને રાજકીય દબાણમાં વિશ્વામિત્રી પ્રોજેકટનું અટકેલુ ભવિષ્ય

ભાજપના જે નેતાઓએ આ પ્રોજેક્ટને સિંચાઈ વિભાગ દ્વારા કરાવવાનો આગ્રહ રાખ્યો હતો, તેઓ જ હવે ટેન્ડરની ઊંચી કિંમતો સામે સક્રિય થઈ રહ્યા છે. જો ભાજપના આ આંતરિક વિખવાદને કારણે ટેન્ડર પ્રક્રિયામાં ફરી અવરોધ ઊભો થાય, તો રાજ્ય સરકારે ટેન્ડર પ્રક્રિયાને રદ કરી, પ્રોજેક્ટને પોતાના હસ્તક લઈ ઝડપથી કામ પૂર્ણ કરવું જોઈએ. કોર્પોરેશનના ઊંચા દરે ખુલેલા ટેન્ડર, સિંચાઈ વિભાગના ઓછી કિંમતોમાં થયેલા ટેન્ડર અને રાજકીય દબાણ વચ્ચે વિશ્વામિત્રી નદીના વિકાસ માટેની યોજના હાલ ઘેરબંધીમાં છે. જો આ વિવાદ વધુ લાંબો ચાલશે, તો શહેરના નાગરિકોને ભવિષ્યમાં વધુ પૂર અને નુકસાન વેઠવું પડી શકે.

Most Popular

To Top