Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : ટેન્ડર વિવાદ અને રાજકીય દાવપેચ વચ્ચે અટવાયેલું ભવિષ્ય


100 કરોડના પ્રોજેક્ટમાં ટેન્ડર પ્રક્રિયા ફરી શરુ કરવાની આદેશ

વિશ્વામિત્રી પ્રોજેક્ટ, જેનો હેતુ નદીના પુનર્વિકાસ અને નદીમાં આવેલ પૂર બાદ નાગરિક સમસ્યાઓને દૂર કરવાનો છે, તે સતત વિવાદાસ્પદ બનતો જાય છે. અંદાજે 100 કરોડના આ પ્રોજેક્ટના કામોને મંજુરી માટે આજે સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, રી ટેન્ડર કરવાનો નિર્ણય કરતા નેતાઓની આંતરિક લડાઈના કારણે આ પ્રોજેક્ટના કાર્યોમાં મોડું થાય તેવી શક્યતાઓ ઊભી થઈ છે.

આજે યોજાયેલી કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠકમાં વિશ્વામિત્રી નદીના ડીસિલ્ટિંગ અને અન્ય કામોને લઈને કામોની દરખાસ્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં નદીનું ડીસિલ્ટિંગ 20.80% વધુ દરે શિવાલય ઇન્ફ્રા પ્રો. પ્રા. લિ. અને કાંસોનું ડીસિલ્ટિંગ 20.50% વધુ દરે શાંતિલાલ બી. પટેલને આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. છતાં, આ બંને દરખાસ્તોને સમિતિ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. વિશિષ્ટ છે કે આ કામ માટે સરકારી સિંચાઇ વિભાગના ટેન્ડર માપદંડો અનુસાર કામ કરવાનું સુચન આપવામાં આવ્યું છે, અને ચાર અલગ-અલગ પેકેજમાં ટેન્ડર જાહેર કરવા નિર્ણય લેવાયો છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ અગાઉ એક જ ટેન્ડરમાં રજૂ થયો હતો, જેમાં માત્ર ત્રણ એજન્સીઓએ ટેન્ડર ભર્યું હતું. હવે ચાર પેકેજમાં આ પ્રોજેક્ટને વિભાજિત કરવાના આદેશથી નવી એજન્સીઓ પ્રોજેક્ટ માટે રસ દાખવે છે કે નહીં તે પણ પ્રશ્નચિહ્ન છે. માહિતી અનુસાર, હાલના ટેન્ડરમાં સમાવિષ્ટ ઇજારદારોને નદીમાં કામ કરવાનો કોઈ પ્રાથમિક અનુભવ નહોતો. હવે રીટેન્ડરિંગ પ્રક્રિયાને શરુ કરવાની સૂચના આપવામાં આવી છે, જે પ્રોજેક્ટની અવધિ પર વિપરીત અસર કરવાના દિશામાં છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ ભાજપના આંતરિક વિખવાદનો ભોગ બની રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં કેટલાક નેતાઓના ટકરાવની ચર્ચાઓ થઇ હતી. કેટલાક નેતાઓ મુખ્યમંત્રીની મુલાકાતે પણ પહોંચ્યા હતા. નેતાઓની આંતરિક લડાઈના પગલે પ્રોજેક્ટની મંજૂરીમાં વિલંબ થાય છે. 90 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થવાનો જે મકસદ હતો, તે હવે મૂંઝવણમાં છે.

VMC ના અધિકારીઓ પણ હવે નેતાઓના આંતરિક વિખવાદથી ત્રાસી ગયા છે. છેલ્લા એક મહિનાથી રાત દિવસ એક કરી સમગ્ર પ્રોજેક્ટને તૈયાર કરી, ટેન્ડરિંગ કરી સમગ્ર કામ હાથ પર લઈ લીધું હતું. પરંતુ નેતાઓની આંતરિક લડાઈને પગલે હવે સમગ્ર પ્રક્રિયા ફરી કરવાનો વારો આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયામાં પણ નાણાંનો જે વ્યય થયો તેના માટે જવાબદાર કોણ તેને લઈને પણ હાલ ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે, VMC ના એન્જિનિયરોએ જે ટેન્ડર કર્યું હતું તે તેમના પ્રમાણે અને શહેરમાં વિશ્વામિત્રી નદીની સ્થિતિ પ્રમાણે યોગ્ય હતું. જ્યારે સિંચાઇ વિભાગે જે ટેન્ડર કર્યું હતું તે શહેર બહાર વિશ્વામિત્રી નદીની સ્થિતિ પ્રમાણે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઇજનેરો દ્વારા કરવામાં આવેલી સમગ્ર પ્રક્રિયામાં પદાધિકારીઓ પણ સાથે હતા અને સિંચાઇ વિભાગ પણ સંકલનમાં જ હતું.

વિશ્વામિત્રી નદીના પુનર્વિકાસ પ્રોજેક્ટને શહેરમાં પૂરની પરિસ્થિતિ સુધારવા માટે અનિવાર્ય ગણવામાં આવે છે. સમગ્ર શહેરે તાજેતરના પૂરના કારણે આર્થિક અને માનવજીવન પર અસર ભોગવી છે. છતાં, રાજકીય દાવપેચ અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબને કારણે પ્રોજેક્ટના સંચાલન પર ગમતી અસર થઈ રહી છે.

આગામી ચાર પેકેજમાં પ્રોજેક્ટ વિભાજિત થયા બાદ, આ કામને કઈ રીતે અને કેટલા સમયગાળામાં પૂર્ણ કરાશે ? નવા ટેન્ડર માટે કેટલી એજન્સીઓ રસ દાખવે છે અને તે પ્રોજેક્ટ માટે યોગ્ય હશે કે નહીં ? ભવિષ્યમાં ભાજપના આંતરિક વિખવાદથી પ્રોજેક્ટ પર વધુ કટોકટી ઊભી થાય છે કે કેમ ? હવે જોવાનું રહ્યું કે કોર્પોરેશન, આ પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે કેવી રીતે કામ કરે છે.

Most Popular

To Top