Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ સભામાં મંજૂર છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં નામંજૂર કેમ?


વિપક્ષ નેતાએ મ્યુ. કમિશનરને પત્ર લખી સવાલ ઉઠાવ્યા

વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી પોતાના વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓએ જણાવ્યું કે ચાર કલાક સુધી વિશ્વામિત્રી પ્રોજેકટની ચર્ચા કરીને નક્કી કરાયેલું કામ સ્ટેન્ડિંગમાં રદ કરાયું, જે નગરજનોના હિત વિરુદ્ધ છે. પૂરના જોખમ સામે નાગરિકોની સુરક્ષા માટે પ્રોજેક્ટને સમયસર શરૂ કરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

વડોદરા શહેર માટે મહત્વપૂર્ણ એવા વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને તાજેતરમાં કોર્પોરેશનની વિશેષ સાધારણ સભા મળી હતી. સભામાં પ્રોજેક્ટના ટૂંકા ગાળાના કામોનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોને પૂરથી સુરક્ષા આપવા માટે નદીને સાફ અને ગાઢ બનાવવાના કામો શામેલ છે. તમામ સભાસદોએ આ પ્રોજેક્ટને સર્વાનુમતે મંજૂરી આપી હતી, પરંતુ એ જ દિવસે સાંજે સ્ટેન્ડિંગ કમિટીએ આ કામોને નામંજૂર કરી દીધાં, જેના પગલે હવે કોંગ્રેસે આક્ષેપો કર્યા છે.

વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે, ભાજપ રાજકીય દેખાવને કારણે પ્રોજેક્ટમાં વિલંબ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પૂર સમયે વડોદરા નગરજનોને 5,000 કરોડનું નુકસાન થયું હતું અને 11 લોકોના મોત નીપજ્યા હતા. વિશ્વામિત્રી અને વડોદરા શહેરમાં આવેલી કાંસોમાં પાણી ન ભરાય તે માટેનું પ્રેઝન્ટેશન રાખી ચાર કલાક ચર્ચા કરવામાં આવી હતી. ચાર કલાક ચર્ચા ચાલી અને નક્કી હતું કે આજે આ કામ સ્ટેન્ડિંગમાં પણ મુકાશે. પરંતુ સ્થાયી સમિતિએ આ કામ નામંજૂર કર્યું. જો કોંગ્રેસે વિરોધ કર્યો હોત તો એવું કહેતા કે કોંગ્રેસ કામ નથી કરવા દેતી. કોંગ્રેસે નાગરિકોના હિતમાં અને લોકોને પૂરમાં મુશ્કેલી ન પડે તે માટે સમર્થન કર્યું હતું. પૂર આવ્યું એ સમયે વડોદરા શહેરના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી નજીક આવી રહી છે તે માટે દેખાવા પૂરતું માત્ર આ બધું કરી રહ્યા છે. તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ પોતાની માંગ રાખતા કહ્યું કે, નગરજનોના હિતમાં ડિપાર્ટમેન્ટલ અથવા કોઈ એજન્સીને કામ સોંપી ચોમાસા પૂર્વે કામ પૂર્ણ થાય.

ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ એક જ પેકેજમાં વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ અને રીસેકશનિંગનું કામ અંદાજે 100 કરોડનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ સિંચાઈ વિભાગ દ્વારા વડોદરા શહેરની બહારથી પસાર થતી વિશ્વામિત્રી નદીના આ જ કામ માટે 6 અલગ અલગ પેકેજ બનાવવામાં આવ્યા હતા. જે બાદ ભાજપના નેતાઓમાં આંતરિક વિખવાદ થતાં કોર્પોરેશનની કામગીરી પણ સિંચાઇ વિભાગ જેવી પદ્ધતિથી થાય તેવી રજૂઆત ગાંધીનગર સુધી કરવામાં આવી હતી.

Most Popular

To Top