Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ચુસ્ત તૈયારી

મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાત-દિવસ કામની સુચના

વડોદરાના વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટને તીવ્રતા આપવામાં આવી છે. આ પ્રોજેક્ટને વર્ષ 2025ના ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા ખાસ રસ દાખવી રહ્યા છે. શહેરમાં આ પ્રોજેક્ટ દ્વારા પૂરના જોખમને ઘટાડવા અને પર્યાવરણ સુધારવાની દિશામાં મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે.

પ્રોજેક્ટ માટે રી-ટેન્ડરની પ્રક્રિયા કાલે ઓનલાઈન થાય તેવી શક્યતા છે. ટેન્ડર સિંચાઈ વિભાગની માર્ગદર્શિકા મુજબ જ કરાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 જૂન, 2025 પહેલાં ટૂંકા ગાળાના તમામ કામ પૂર્ણ કરવા માટે આયોજન કરી રહ્યું છે. જો રાત દિવસ કામ કરવું પડે તો તે માટે લાઈટો લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

વિશ્વામિત્રી નદીમાંથી 15 જૂન પહેલા 25 લાખ એમક્યુબ માટી નિકાળવાનો ટાર્ગેટ છે. ત્યારબાદ, વધુ 50 લાખ એમક્યુબ માટી નિકાળી પૂરના જોખમને ઘટાડવાનો નિર્ધાર છે. આ કામગીરી દરમિયાન સીસીટીવી માધ્યમથી ડમ્પર મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ કામગીરીના દરેક તબક્કે ડ્રોન દ્વારા ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાશે.

નદીમાં ગટરના પ્રવાહને રોકવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નદીની સમાંતર ટ્રંક લાઈન બનાવવાની યોજના પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. તાજેતરમાં પાલિકાને 30 MLD ગટરનું પાણી અટકાવવામાં સફળતા મળી છે. ખાસ અટલાદરા, વેમાલી, બહુચરાજી અને ઇન્દ્રપુરી વિસ્તારોમાં STP પ્લાન્ટ કાર્યરત થયા છે, જેના કારણે ગટરના પ્રવાહમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભવિષ્યમાં વધુ STP પ્લાન્ટ્સ કાર્યરત થવાથી ગટરના પાણી પર વધુ નિયંત્રણ લાવવામાં આવશે.

શહેરમાં 250 જેટલી જગ્યાએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કામગીરી ચાલી રહી છે. સાથે જ ભૂંખી કાંસ અને અન્ય કાંસોના વિસ્તારોની સફાઈ પણ શરૂ છે. નદી અને તળાવો પર ગંદકીને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા કાર્યકારી પ્રયાસો થઈ રહ્યા છે. શહેરના મુખ્યત્વે તમામ તળાવો પર પંપ પણ મૂકવામાં આવ્યા છે, જેના થકી તળાવોને ખાલી કરવાની કામગીરી કરવામાં આવનાર છે.

પ્રોજેક્ટ પર ચુસ્ત દેખરેખ રાખવા માટે 30 થી વધુ સુપરવાઇઝર નિયુક્ત કરવાનું આયોજન પણ ચાલી રહ્યું છે. વધુમાં જો જરૂર પડશે તો 10 નવા સુપરવાઈઝરને પણ નિમણૂક કરવામાં આવશે. ઉપરાંત, આ પ્રોજેક્ટમાં મજૂરની માંગ વધે તો તેને પહોંચી વળવા માટે પૂરતી તૈયારી કરાઈ છે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના મક્કમ દ્રષ્ટિકોણ અને સમગ્ર ટીમના પ્રયાસોથી આ પ્રોજેક્ટ ટૂંકા ગાળામાં સિદ્ધિ પ્રાપ્ત કરશે એવી આશા છે.

Most Popular

To Top