Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં કોર્પોરેશન સિંચાઇ વિભાગથી રૂ. 40 કરોડ વધુ ચૂકવશે

મૂળ કિંમતથી મોંઘા દર છતાં મંજૂરી માટે રજૂઆત

એક સમાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે કોર્પોરેશનના ટેન્ડરોમાં ઊંચા ભાવ, સિંચાઈ વિભાગની તુલનામાં વધુ ખર્ચ થશે

વડોદરાની વિશ્વામિત્રી નદીના ઊંડીકરણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રી ટેન્ડરો પણ મોંઘા પડી રહ્યાં છે. જ્યારે સિંચાઈ વિભાગ સમાન પ્રોજેક્ટ માટે મૂળ કિંમતથી 40% ઓછી કીમતે કામ કરવા માટે તૈયાર છે, ત્યારે કોર્પોરેશનના ટેન્ડર 2% વધારે ભાવ સાથે મંજૂરી માટે રજૂ કરાયા છે, અને GST પણ અલગથી ઇજારદારને આપવામાં આવશે. કોર્પોરેશન આ પ્રોજેક્ટ માટે સિંચાઇ વિભાગની સરખામણીમાં અંદાજિત રૂ. 40 કરોડથી વધુનું ચૂકવણું કરશે. કોર્પોરેશન મોંઘા ટેન્ડરો પાસ કરીને નગરજનોના કરના પૈસા બગાડી રહ્યું છે. જ્યારે સિંચાઈ વિભાગ ઓછી કિંમતમાં કામ કરી શકે, ત્યારે કોર્પોરેશનના ખર્ચ ઉચિત છે કે નહીં? શું મુનિ. કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા ખર્ચ વધુ મૂકી રહ્યું છે?


કોર્પોરેશન દ્વારા ચાર પેકેજમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા

કાશીબાથી દેણા ચોકડી: રાજકમલ બિલ્ડર્સે રૂ. 15.07 કરોડના અંદાજ સામે 8.99% વધારે, એટલે કે રૂ. 16.42 કરોડનો દર આપ્યો.

વિદ્યાકૂંજથી કાશીબા: શિવમ કન્સ્ટ્રક્શને રૂ. 15.40 કરોડના અંદાજ સામે રૂ. 15.78 કરોડનો દર આપ્યો.

કોટનાથથી વિદ્યાકૂંજ: ડી.બી. પટેલે રૂ. 15.97 કરોડના અંદાજ સામે 9.50% વધારે, એટલે કે રૂ. 17.49 કરોડમાં ટેન્ડર ભર્યું.

મરેઠાથી કોટનાથ: સંકલ્પ કન્સ્ટ્રક્શને રૂ. 14.55 કરોડના અંદાજ સામે 8.95% વધારે, એટલે કે રૂ. 15.79 કરોડમાં ટેન્ડર ભર્યું.

ખર્ચ વધુ હોવાથી કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશન દ્વારા ભાવ ઘટાડવા કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ માત્ર 2.50% ઓછા કરવા તૈયાર થયા, જે હજુ પણ સિંચાઈ વિભાગના દર કરતાં ઘણું મોંઘું છે.


પહેલાંના ટેન્ડરો વધુ મોંઘા હતા, છતાં ખર્ચમાં ઘટાડો થયો નહીં

પહેલાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 15 લાખ ક્યુબિક મીટર માટી દૂર કરવા રૂ. 58.80 કરોડનો અંદાજ મૂકાયો હતો. જો કે, કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા દ્વારા 20.80% વધારે, એટલે કે રૂ. 71.03 કરોડના ટેન્ડર ભરાતા તે રદ કરવામાં આવ્યું અને રિટેન્ડર કરવામાં આવ્યું. હવે નવા ટેન્ડરોમાં પણ ભાવ ઉતરવાની આશા હતી, પરંતુ કોર્પોરેશને મોંઘા ટેન્ડરોને મંજૂરી માટે રજુ કરી દીધા છે


સિંચાઈ વિભાગ અને કોર્પોરેશનના ખર્ચની તુલના

સિંચાઈ વિભાગ:

સમાન પ્રકારના નદી ઊંડીકરણ માટે મૂળ રકમથી 40% ઓછી કિંમત

રૂ. 41 કરોડમાં છ પેકેજમાં કામ

મરેઠાથી પિંગલવાડા સુધી 4.5 કિમીના વિભાગોમાં કામ

કોર્પોરેશન:

કામની મૂળ કિંમતીથી વધુ ખર્ચ અને GST અલગથી

રૂ. 63 કરોડમાં ચાર પેકેજમાં કામ

ભૂતકાળમાં પણ મોંઘા ટેન્ડર દ્વારા પ્રોજેક્ટમાં વિલંબ

Most Popular

To Top