Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ ભાજપના જ વગદાર કોર્પોરેટરની હવનમાં હાડકા નાખવાની તૈયારી!

ભાજપના નેતાની રાજકીય રમત વડોદરાવાસીઓને ભોગ બનાવશે

વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને સભામાં સર્વાનુમતે મંજૂરી મળ્યા બાદ સ્થાયી સમિતિમાં ચાર પેકેજ માટે રિટેન્ડર કરવાની મંજૂરી સર્વાનુમતે આપવામાં આવી છે. સિંચાઇ વિભાગની શરતો મુજબ જ આ ટેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. છતાં, મળતી માહિતી મુજબ, ભાજપના એક આગળિયા કોર્પોરેટર પ્રોજેક્ટના ટેન્ડરને છ પેકેજમાં વહેંચવાની માંગ કરી રહ્યા છે, જે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ પેદા કરી શકે છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સ્થાયી સમિતિ દ્વારા ચાર પેકેજમાં ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જો કે, ભાજપના જ એક નેતા આ નિર્ણયમાં વિઘ્ન ઊભું કરી રહ્યા હોવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ અન્ય સભ્યો પર દબાણ બનાવી રહ્યા છે કે ટેન્ડર છ પેકેજમાં કરવું જોઈએ. આ રાજકીય દાવપેચને કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામમાં વિલંબ થવાની શક્યતા છે, જે વડોદરાના નાગરિકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જે કોર્પોરેટર આ દબાણ કરી રહ્યા છે, તેઓનું ધ્યેય પોતાનાં મળતિયાઓને ફાયદો પહોંચાડવાનું છે કે શહેરના હિતમાં કામ કરવાનું છે, તેના પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ રહ્યું છે.

આ અગાઉ પણ, જ્યારે આ પ્રોજેક્ટ માટે સિંગલ પેકેજમાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે કેટલીક રાજકીય શક્તિઓએ વિવિધ બહાનાઓ આપી પ્રોજેક્ટમાં વિલંબ પેદા કર્યો હતો. હવે ફરી એકવાર ભાજપના જ એક વગદાર કોર્પોરેટર પોતાના અંગત હિત માટે પ્રોજેક્ટમાં વિલંબ કરાવવાની કોશિશ કરી રહ્યા છે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટ શહેર માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આ પ્રોજેક્ટ પુરની પરિસ્થિતિમાંથી બચાવ અને પાણી વ્યવસ્થાપન માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જો પ્રોજેક્ટમાં વધુ વિલંબ થશે, તો વડોદરાની જનતાને તેના દોષીત પ્રભાવો આગામી ચોમાસામાં સહન કરવા પડશે.

વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અનાવશ્યક રાજકીય દખલ નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વડોદરાના નાગરિકોએ હવે સમજી લેવું પડશે કે શું તેમના નેતાઓ ખરેખર શહેર માટે કામ કરી રહ્યા છે કે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે.

Most Popular

To Top