Vadodara

વિશ્વામિત્રી પ્રોજેક્ટથી નફો ખાનગી કંપનીને, ખર્ચ મનપાને !

પ્લાસ્ટિક વેસ્ટના રીપ્રોસેસિંગથી કમાણી પણ મનપા માટે આર્થિક લાભ વિના ચાલતું રહેતું ખર્ચાળ પીપીપી મોડેલ

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે આવતા પૂરના જોખમને ધ્યાને લઈ મનપા અને રાજ્ય સરકાર દ્વારા નદી તથા આજવા-પ્રતાપપુરા તળાવોને ઉંડા કરવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ગત વર્ષે આવેલા વિનાશક પૂર પછી આ કામગીરીને વધુ પ્રાથમિકતા આપી 100 દિવસમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 590 મેટ્રીક ટન પ્લાસ્ટીક વેસ્ટ બહાર કાઢવામાં આવ્યો છે. આ પ્લાસ્ટીક વેસ્ટને અટલાદરા ખાતે આવેલા યુનિટ ખાતે લઇ જઇ તેની રીપ્રોસેસિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અહીંથી પ્લાસ્ટીકના દાણા અને રોડ બનાવવાનું મટીરીયલ તૈયાર થાય છે, જેનો બજારમાં વ્યાપક ઉપયોગ થાય છે.

વિશેષ એ છે કે આ યુનિટ ખાનગી ઇકો વિઝન કંપની ચલાવે છે, જેને વર્ષ 2022માં પીપીપી મોડલ હેઠળ વોર્ડ નં.7 ના અટલાદરા વિસ્તારમાં પાલિકા દ્વારા જમીન ફાળવવામાં આવી હતી. કંપની શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળતા પ્લાસ્ટીક કચરાને અલગ કરીને તેની રીપ્રોસેસિંગ કરે છે. જોકે, અત્યાર સુધીમાં પાલિકા કે મનપાને આ યુનિટમાંથી કોઈ આર્થિક લાભ થયો નથી, જ્યારે કંપની સતત કમાણી કરી રહી છે. જોકે, પીપીપી ધોરણે ખાનગી કંપનીને આપવામાં આવેલી જમીન અને વેસ્ટનો ઉપયોગ કરીને કંપની નફો કમાવે છે, પરંતુ કોર્પોરેશન માટે આ ખર્ચાળ વ્યવસ્થા સાબિત થઈ રહી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈ સારા ઉદ્દેશ સાથે કામ શરૂ થયું છે, પણ જો સ્થાનિક તંત્ર અને પાલિકા કોઈ નાણાકીય લાભ વિના આ કાર્ય કરતી રહી તો આવિષ્કાર પૂરતી અસરકારક સાબિત નહીં થાય. હવે જોવાનું એ છે કે પાલિકા પોતાના હક માટે કઈ રીતે અને ક્યારે પગલાં લે છે.

સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી કશ્યપ શાહે જણાવ્યું કે, વડોદરા સહિત રાજ્યની અન્ય પાલિકાઓમાં પણ આ પ્રકારે પીપીપી ધોરણે જ કામગીરી કરવામાં આવે છે જેમાં પાલિકા પોતાની જગ્યા આપે છે અને ઇજારદાર પ્લાસ્ટીક એકત્ર કરી ત્યાં બધી પ્રોસેસ કરતા હોય છે. હાલ જે પ્લાન્ટ છે તેની 100 ટન કેપેસિટી છે જ્યાં હાલ વિશ્વામિત્રીમાંથી જે પ્લાસ્ટીક વેસ્ટ નીકળે છે તેમાંથી દરરોજ 50 ટન વેસ્ટ પ્લાન્ટ પર આવે છે.

Most Popular

To Top