શહેરમાં ક્યાંક ભૂંડોનો ત્રાસ તો ક્યાંક ભૂંડો પર ત્રાસ
માલિક અને પાલિકા અધિકારીઓ પર ગંભીર આરોપ
વડોદરા: પરશુરામ ભટ્ટાની પાછળ મહારાજા નગર અને જવાહર નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વિશ્વામિત્રી નદી કિનારે આશરે 30 થી 40 ભૂંડ મરણ પામેલા મળ્યા છે. સ્થાનિકો અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિકાર સંસ્થાના રાજેશ ભાવસારના જણાવ્યા અનુસાર, ભૂંડના માલિક સરદાર સિકલીગર અને પાલિકા ના કેટલાક અધિકારીઓ દ્વારા આ ભૂંડોને વિના તપાસ અને પોસ્ટમોર્ટમ કર્યા વગર નદીમાં નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
થોડા દિવસો અગાઉ વડોદરા પાલિકા ની સામાન્ય સભામાં ભૂંડો ને લઈ હોબાળો થયો હતો અને કાઉન્સિલર ના જણાવ્યા મુજબ તેઓના વિસ્તારમાં ભૂડો નો ત્રાસ હોય ભૂંડ પકડવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ત્યારે બુધવારે વિશ્વામિત્રી નદી કિનારે 30થી 40 ભૂંડના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજેશ ભાવસારે આ બાબતને ગંભીરતાથી લેવાની અને ભૂંડના મોતનું કારણ જાણી લીધા વિના નદીમાં મૃતભૂંડ ન નાખવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે, જો આ ભૂંડ કોઈ ગંભીર બીમારી કે ઝેરી ખોરાક લીધા કારણે મર્યા હોય તો આ નદીમાં નાખવાથી જળચર પ્રાણીઓ અને પક્ષીઓનું પણ મોત થઈ શકે છે, જેની જવાબદારી કોણ લેશે તે પણ પ્રશ્ન ઉભો થાય છે.
આ ઉપરાંત, વિશ્વામિત્રી નદીની સફાઈ માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નદીમાં આવી ગંદકી કરનારાઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં અને પ્રાણી અધિકાર સંસ્થાઓમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. તેઓ પાલિકા તંત્ર અને સંબંધિત અધિકારીઓ પર આ મુદ્દે ગંભીરતા ન બતાવવાનો આરોપ લગાવી રહ્યા છે અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ સંદર્ભમાં, નદીની સફાઈ અને પ્રાણી હિત માટે તાત્કાલિક તપાસ અને પગલાં લેવાયા વિના આ પ્રકારના કૃત્યને રોકવું અત્યંત જરૂરી છે.