વડોદરા મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કાર્યપાલક ઈજનેર અને એન્વાયર્નમેન્ટ એન્જિનિયરની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ દ્વારા નિમાયેલ એક્સપર્ટ કમિટીના સભ્યો નેહાબેન સર્વટે અને મીતેશભાઈ પંચાલ દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારાના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં સમા ભરવાડવાસ, રિધમ હોસ્પિટલ, નરહરિ બ્રિજ, અકોટા સ્મશાન અને મુજમહુડા જેવા વિસ્તારોનો સમાવેશ થયો હતો. ત્યાં નદીના કિનારે જમા થયેલો કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ તથા અન્ય પ્રકારના કચરાની હાલત જોયા બાદ તાત્કાલિક અસરથી કચરો દૂર કરવાનો નિણૅય લેવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન નદીના પર્યાવરણને તેની પ્રાકૃતિક સ્થિતિમાં પુન: લાવવા માટે પ્લાનિંગ, મેપિંગ અને એક્શન પ્લાન બનાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકા તરફથી આગામી સમયમાં વિશિષ્ટ સ્થળોએથી કચરો ઉપાડી કાઢવાની કામગીરી હાથ ધરાશે અને ફરીથી કચરો ન ફેંકાય તે માટે પણ વ્યવસ્થા ગોઠવાશે.