ગેબિયન વોલની કામગીરી દરમિયાન નદીમાં મશીન ઉતારાતા પ્રાણીપ્રેમીઓની ચિંતા
વન વિભાગ અને એનજીઓની હાજરી વિના કામ શરૂ કર્યાના આક્ષેપ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 21:
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી ગેબિયન વોલની કામગીરીને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. નદીમાં સીધું JCB મશીન ઉતારવામાં આવતા જળચર જીવોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરી પ્રાણીપ્રેમીઓએ સામાજિક વનીકરણ વિભાગમાં રજૂઆત કરી છે.

મળતી માહિતી મુજબ, વિશ્વામિત્રી નદીને પહોળી કરવાની કામગીરી ગત વર્ષે હાથ ધરાઈ હતી અને આ વર્ષે ફરીથી ગેબિયન વોલની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરમિયાન મંગલ પાંડે બ્રિજની નીચે ખોદકામ કરી JCB મશીનને નદીના પાણીમાંથી પસાર કરાયું હતું, જેના કારણે નદીમાં વસવાટ કરતા કાચબા સહિતના જળચર પ્રાણીઓને જોખમ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર રમેશભાઈએ જણાવ્યું હતું કે, કામગીરી શરૂ કરતા પહેલા વન વિભાગ, એનજીઓ અથવા રેસ્ક્યુઅરોને સાથે રાખવામાં આવ્યા નહોતા. આ મુદ્દે સામાજિક વનીકરણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. વધુમાં આરએફઓને જાણ કરવા છતાં સ્થળ પર કોઈ સ્ટાફ મોકલાયો ન હોવાનું પણ જણાવાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ આ વિસ્તારમાંથી ત્રણ મોટા કાચબાનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો જ્યારે એક કાચબાનું ઈજાને કારણે મોત થયું હતું. છેલ્લા 20 દિવસમાં ચાર મગરોના મોત થયાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે પ્રાણીપ્રેમીઓમાં ચિંતા વધી છે.

પ્રાણીપ્રેમીઓએ માંગ કરી છે કે, વન વિભાગ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા યોગ્ય દેખરેખ હેઠળ જ કામગીરી આગળ વધારવી જોઈએ. સાથે જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) સમિતિ સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.