આજવા-પ્રતાપપુરા તળાવો ઊંડા કરવાની તૈયારીઓ તેજ, નવા મોડલ દ્વારા ઝડપથી કામ પૂર્ણ કરવાની યોજના
સરોવર ઊંડા કરી અંદાજે 25 લાખ ક્યૂબિક મીટર માટી નીકાળવાનો અંદાજ
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગત ચોમાસે આવેલા પૂરને ધ્યાને રાખી હવે કોર્પોરેશન હરકતમાં આવ્યું છે. પૂરની સ્થિતિ પુનરાવૃત્તિ ન થાય તે માટે રાજ્ય સરકારની સૂચનાથી તજજ્ઞોની સમિતિ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, અને હવે આ રિપોર્ટને આધારે નદી તથા તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવાની તૈયારી થઈ રહી છે. સાથે જ બંને સરોવર ઊંડા કરી અંદાજે 25 લાખ ક્યૂબિક મીટર માટી નીકળવાનો અંદાજ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવ્યો છે.
સરકાર તરફથી મંજૂરી મળી જાય તો આગામી 5 માર્ચ 2025 સુધી કામ શરૂ કરવાની શક્યતા છે જયારે કામ શરૂ થયા બાદ 31 મે 2025 સુધી સમગ્ર કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ કોર્પોરેશન દ્વારા આ કામને લઈને ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GERI) પાસેથી અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે, જેમાં તેઓએ ડેમથી 200 મીટર દૂર કામગીરી કરવાની ભલામણ કરી છે. જો આ યોજના સફળ રીતે અમલમાં આવે, તો વડોદરા શહેરમાં નદીમાં પૂરની સમસ્યા ઘટાડવા અને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ફાયદો થશે તેવું અધિકારીઓનું માનવું છે.
કોર્પોરેશન દ્વારા આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડા કરવા માટે ત્રણ વિકલ્પ સરકાર સમક્ષ રજૂ કરાયા છે:
- 100% ખર્ચ કોર્પોરેશન ભરે અને ટેન્ડરીંગ દ્વારા કામ થાય
- સુજલામ-સુફલામ યોજના હેઠળ 60% ખર્ચ કોર્પોરેશન અને 40% ખર્ચ કોન્ટ્રાક્ટર ભરે
- ફ્રી કૉસ્ટ મોડલ, જ્યાં ઈજારદાર અથવા નાગરિક પોતે માટી ઉપાડી શકે અને રોયલ્ટી માફ કરવામાં આવે
હાલની સ્થિતિમાં, તંત્ર ત્રીજા વિકલ્પ તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. જો સરકારની મંજૂરી મળે, તો વડોદરા કોર્પોરેશનના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે કે આ પ્રકારનું પ્રોજેક્ટ લાગુ કરવામાં આવશે.
તળાવો ઊંડા કરવાના લક્ષ્યાંક
આજવા સરોવર: 2 મીટર ઊંડું કરવાનું આયોજન, જેના કારણે પાણી સંગ્રહ ક્ષમતા 66 કરોડ લિટરથી વધીને 70 કરોડ લિટર થશે.
પ્રતાપપુરા સરોવર: 4 મીટર ઊંડું કરવાનું આયોજન, જેનાથી પાણી સંગ્રહ ક્ષમતા 6 કરોડ લિટરથી વધીને 10 કરોડ લિટર થશે.
