Vadodara

વિશ્વામિત્રી નદીમાંથી નીકળેલી લાખો ટન માટી નેતાઓના નામે વહેંચાઈ!

માંગ કરનારા રાહ જોતા રહ્યા, નેતાઓએ માટીમાંથી ફાયદો લીધો

રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ માટી મેળવનારા અરજદારોના નામ જાહેર કરાયા નહીં

વડોદરા: વડોદરા શહેરની માધ્યમથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગ માટે લગભગ 73 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી ચાર તબક્કામાં કરવામાં આવી હતી. જે દરમિયાન લાખો ટન માટી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. માટીનો નિકાલ વિવિધ જગ્યાએ કરવામાં આવ્યો હતો. સરકારે આ માટી રોયલ્ટી ફ્રી આપવા મંજૂરી આપી હતી. જેથી જરૂરિયાતમંદ લોકો તેનો ઉપયોગ કરી શકે. આ માટે અરજીઓ મંગાવાઈ હતી અને અરજદારોને તેમની જરૂર મુજબ માટી મળવી જોઈએ એવું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ સૌથી વધુ માટીનો લાભ કેટલાક નેતાઓ અને સ્થાનિક કાઉન્સિલરોએ ઉઠાવ્યો છે. માહિતી પ્રમાણે, અનેક નાગરિક પ્રતિનિધિઓએ પોતાના અંગત કામ માટે હજારોથી વધુ ટન માટી મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, કેટલાકે તો માટી મફતમાં મેળવી ધંધો પણ કરી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ફ્રીમાં માટી મેળવનારા અરજદારોમાં કેટલીક ધાર્મિક સંસ્થાઓ પણ હતી, પણ જે વ્યક્તિઓને ખરેખર માટીની જરૂર હતી એવા લોકોને મર્યાદિત પ્રમાણમાં જ માટી મળી હતી. તો કેટલાક અરજદારો તો એવા પણ હતા કે જેમને માટી મળી જ નહીં. બીજી તરફ, નેતાઓ અને કાઉન્સિલરોના નામ સાથે મોટી માત્રામાં માટી ગઈ હોવાના સંકેતો પણ મળ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત થયેલી રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ હજુ સુધી પાલિકા તરફથી એ માહિતી જાહેર કરવામાં આવી નથી કે કુલ કેટલા અરજદારોએ માટી ફ્રીમાં મેળવવા માટે અરજી કરી અને કેટલાને કેટલી માટી આપવામાં આવી. જો આ વિગતો નામ સહિત જાહેર થાય તો કેટલાક નેતાઓ અને કોર્પોરેટરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડી શકે, એવી ચર્ચા પાલિકા વિભાગોમાં થઈ રહી છે.

Most Popular

To Top