13 દિવસ બાદ પીએમ રિપોર્ટ આવતા ખુલાસો થયો, હત્યા કરી ઓળખ ચતી ના થાય માટે લાશ નદીમાં ફેંકી દીધી, 40 થી 60 વર્ષના વ્યક્તિની લાશ હોવાનું જાણવા મળ્યું
વડોદરા તારીખ 17
વડોદરા શહેરના સમા-હરણી રોડ પર આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી 3 ઓગસ્ટના રોજ અજાણી વ્યક્તિની અત્યંત રીતે ડિકમ્પોઝ થયેલી લાશ મળી આવી હતી. જેથી પોલીસે આ લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું ત્યારે 13 દિવસ બાદ 40થી 60 વર્ષની વ્યક્તિ ની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરિવારજનોની શોધખોળ કરવા છતાં નહીં મળી આવતા પોલીસે જાતે અંતિમ સંસ્કાર કર્યા હતા.
વડોદરા શહેરના હરણી સમા લીંક રોડ પર આવેલા ચેતક બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં ટીપી 13 ફાયર સ્ટેશનની ટીમને લાશ તરતી હોવાની વરધી મળી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમના જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને મોટાભાગે ડિકમ્પોઝ થયેલી લાશની આસપાસ ત્રણથી ચાર મોટા મગર પણ ફરતા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વાંસ અને લાકડાની મદદથી મગરોને ત્યાંથી ભગાવવામાં આવ્યા હતા અને લાશને ચાદરમાં લપેટી બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહ ની હાલત અત્યંત ખરાબ હતી અને હાથ અને પગ અડધા ખવાઈ ગયા હતા. સમા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવીને તેને પીએમ કરાવવા માટે સયાજી હોસ્પિટલ લઈ ગઈ હતી હતી. બીજી તરફ પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની પણ શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં તીક્ષ્ણ હથીયાર દ્વારા શરીરના અલગ-અલગ જગ્યાએ ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતકની ઉંમર 40થી 60 વચ્ચેની હોવાનું જાણવા મળી રહ્યું છે મૃતક વ્યક્તિની ઓળખ છતી ન થાય માટે હત્યારાઓ દ્વારા હત્યા કર્યા બાદ લાશને વિશ્વામીત્રી નદીમા ફેકી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનોની શોધખોળ કરી પરંતુ નહીં મળી આવતા પોલીસ કર્મચારીઓ એ જ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.