એક બાજુ “ગંદકી ન કરો”ના બોર્ડ, બીજી બાજુ અગોરાની પાઇપથી નદીમાં ગંદુ પાણી !
અગોરા સિટી સેન્ટર દ્વારા અગાઉ વિશ્વામિત્રી પર કરાયેલું ક્લબ હાઉસનું દબાણ દૂર કરાયું હતું

વડોદરામાં મંગલ પાંડે બ્રિજ પાસે નિર્માણાધિન અગોરા સિટી સેન્ટર છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યું છે. હવે આ બિલ્ડિંગ સાથે વધુ એક નવો વિવાદ જોડાયો છે. જાણવા મળ્યું છે કે અગોરા સિટી સેન્ટરના માલિકો દ્વારા ઈમારતના ડ્રેનેજ પાઇપ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને એ પાઇપો સીધા વિશ્વામિત્રી નદી તરફ રાખવામાં આવ્યા છે. જેના કારણે હાલ સતત ગંદુ પાણી વિશ્વામિત્રી નદીમાં વહેતું રહે છે. મહત્વનું છે કે, આ પહેલાં પણ અગોરા સિટી સેન્ટર દ્વારા બનાવાયેલી દીવાલનો એક ભાગ વિશ્વામિત્રી નદીના પટ પર દબાણ કરતા પાલિકાએ નોંધ લીધી હોવા છતાં કોઈ કાર્યવાહી કરી નહોતી. હાલ પણ નદીમાં ડ્રેનેજના ગંદા પાણી છોડવાના મામલે પાલિકા ફરીથી ચુપ છે. પાલિકા દ્વારા આ માર્ગ પર “ગંદકી ન કરો” એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, પરંતુ એ જ જગ્યાએ આવેલી અગોરા સિટી સેન્ટરની પાઇપમાંથી સતત ગંદુ પાણી નદીમાં છોડાય છે, તેમ છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થળ પર જોવા મળ્યું છે કે અગોરા સિટી સેન્ટર તરફથી આશરે 10 જેટલી નાની ડ્રેનેજ પાઇપો અને એક મોટી પાઇપ વિશ્વામિત્રી તરફ ખુલ્લી રાખવામાં આવી છે. સાથે જ વરસાદી ગટર તરીકે બનાવેલી લાઇનમાં પણ હાલ ડ્રેનેજના ગંદા પાણી છોડવામાં આવી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં અગાઉથી જ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારોના ગંદા પાણીના પ્રવાહને કારણે પ્રદૂષણ વધ્યું છે. તેમાં આ નવો સ્ત્રોત ઉમેરાતા નદીનું પ્રદૂષણ વધુ વધી શકે છે. છતાં, પાલિકા દ્વારા તપાસ કે કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી. મહત્વનું છે કે, જ્યારે સામાન્ય લોકો સામે પાલિકા તાત્કાલિક દંડની કાર્યવાહી કરે છે, ત્યારે આટલા મોટા પ્રોજેક્ટ સામે શાંતિ કેમ રાખી રહી છે.