વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે સિકોન રિપોર્ટ જાહેર કરવાની માંગ ઉઠાવી હતી. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પ્રશ્ન કર્યો કે રિપોર્ટ આવી ગયો છે તો તેને જાહેર કેમ કરવામાં આવતો નથી? અમીબેન રાવતે જણાવ્યું કે આ રિપોર્ટ તમામ શહેરીજનો માટે મહત્વનો છે, કારણ કે તેના આધારે વિશ્વામિત્રી નદીમાં ક્યાં કેટલું દબાણ છે, તે સ્પષ્ટ થશે. નદીની હદ કઈ છે તે અંગે પણ સ્પષ્ટતા થશે, જેથી શહેરીજનો ભૂલથી ગેરકાયદે બાંધકામ ન કરે.
અમીબેન રાવતે વધુમાં જણાવ્યું કે નેશનલ ગ્રીન ટ્રીબ્યુન (NGT) સમક્ષ કોર્પોરેશન દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે સિકોન રિપોર્ટના આધારે દબાણ દૂર કરવામાં આવશે. હવે, જ્યારે રિપોર્ટ આવી ગયો છે, ત્યારે રાજકીય દબાણ વિના ગેરકાયદે બાંધકામ તાત્કાલિક હટાવવા જોઈએ. વિશ્વામિત્રી નદીની સુરક્ષા અને શહેરી વિકાસ માટે આ રિપોર્ટ મહત્ત્વનો છે. રૂ.4.50 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં મૂકવો જોઈએ જેથી દરેક શહેરીજનોને સ્પષ્ટ માહિતી મળી રહે અને ભવિષ્યમાં ગેરકાયદે બાંધકામ અટકાવી શકાય.
ધાર્મિક દબાણ હટાવવાની કાર્યવાહી પર સવાલ: કોપોરેટરોને વિગતવાર માહિતી કેમ નહીં?
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટના આદેશને અનુસરીને શહેરમાં આવેલા ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સામાન્ય સભામાં કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ‘આ અંગે નોટિસો આપવામાં આવી રહી છે, પરંતુ ધાર્મિક સ્થળોના સંચાલકો અમને પૂછે છે કે, હવે શું કરવું?’ તેમણે મેયરના માધ્યમથી કમિશ્નરને રજૂઆત કરી કે, દરેક કોર્પોરેટરને પોતાના વોર્ડમાં કયા ધાર્મિક દબાણ હટાવવાના છે તેની વિગતવાર યાદી મળવી જોઈએ. ઉપરાંત, તેમણે સવાલ કર્યો કે, ‘આ નોટિસો માત્ર મંદિરો માટે જ છે કે અન્ય ધાર્મિક સ્થળોને પણ આપવામાં આવી છે?’
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, માત્ર મંદિરો નહીં, પરંતુ મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ અને અન્ય ધાર્મિક સ્થળોના દબાણ હટાવવાની નોટિસો પણ આપવામાં આવી છે. અંદાજિત 350 જેટલા સ્થળો પર નોટિસ જારી કરવામાં આવી છે. પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, ‘હું ઘણા સમયથી આ યાદીની માંગણી કરી રહી છું, પરંતુ અધિકારીઓ આ યાદી આપતા નથી.’ તેમણે તાકીદ કરી કે, વિભાગીય અધિકારીઓ દરેક ધાર્મિક દબાણની વિગતો જાહેર કરે.
