100 દિવસની સમય મર્યાદામાં કામ પૂર્ણ કરાશે
₹61 કરોડના પ્રોજેક્ટ માટે નવા ટેન્ડર, ચાર પેકેજમાં વહેંચણી
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગત વર્ષે આવેલા ભયંકર પૂરથી શહેરીજનોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. રાજ્ય સરકારે પણ આ બાબતની ગંભીર નોંધ લીધી હતી. આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવી છે. અગાઉ એક જ ટેન્ડરમાં નદી ઉંડી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક અવરોધોને કારણે હવે ચાર અલગ-અલગ પેકેજમાં નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કોર્પોરેશને અગાઉ ₹58.80 કરોડનું એક જ ટેન્ડર બહાર પાડ્યું હતું, પણ તેમાં વિવાદ સર્જાતા હવે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ કોર્પોરેશને કુલ ₹61 કરોડના કામ માટે ચાર અલગ-અલગ પેકેજમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. સાથે જ આ તમામ કામો 100 દિવસમાં પૂર્ણ કરવાનો પણ ટેન્ડરમાં ઉલ્લેખ કરાયો છે. ટેન્ડરમાં એક વધારાનો નિયમ પણ ઉમેરવામાં આવ્યો છે, જેમાં પ્રિ બીડ મિટિંગ રાખવામાં આવશે જેમાં કોઈ પણ સૂચન હશે તો તે લેખિતમાં લેવામાં આવશે.
પેકેજ 1: મારેઠા સ્મશાનથી કોટનાથ મહાદેવ સુધી
પેકેજ 2: કોટનાથ મહાદેવથી વિદ્યાકુંજ શાળા સુધી
પેકેજ 3: વિદ્યાકુંજ શાળાથી કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ સુધી
પેકેજ 4: કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી દેણા ચોકડી સુધી
આ તમામ પેકેજમાં નદીનું ડીસિલ્ટિંગ, રી-સેક્શનીંગ અને સફાઈ કાર્ય કરવામાં આવશે.
પહેલાં ₹58.80 કરોડના પ્રોજેક્ટમાં હવે ₹61 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જે બે કરોડથી વધુનો વધારો દર્શાવે છે. આ ખર્ચ વધવા પાછળ શાસનના નવા નિયમો અને કામની વ્યાપકતા મુખ્ય કારણ છે. જો કે, અગાઉના ટેન્ડર વિવાદોની અસર હાલના ટેન્ડર પર ન પડે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ચાલુ વર્ષે વડોદરામાં ચૂંટણી પણ યોજાવાની છે, જેના કારણે VMC ના શાસક પક્ષના સભ્યો ઈચ્છે છે કે કાર્ય વહેલી તકે પૂર્ણ થાય. શહેરીજનોમાં નારાજગી ઊભી ન થાય અને મોનસૂન પહેલા પૂરની સમસ્યા ઓછી થાય, એ મુખ્ય હેતુ છે. જો ટેન્ડર પ્રક્રિયામાં વધુ વિલંબ થાય, તો વિશ્વામિત્રી નદીનું કામ ફરી લટકી શકે છે.
