વુડામાંથી ફાઇલ ગાયબ કરનારા અધિકારીઓ વિરુદ્ધ CEO તપાસની માંગ
જાગૃત નાગરિક દ્વારા વુડા પાસે માંગવામાં આવેલી માહિતી બાદ સમગ્ર ફાઇલકાંડ સામે આવ્યું
વડોદરા શહેર વિકાસ સત્તામંડળ (વુડા)ના એક અધિકારી દ્વારા માહિતી અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી માહિતી ન આપતા રાજ્ય માહિતી આયોગે કડક વલણ અપનાવ્યું છે. માહિતી અધિકારી અનિલ પ્રજાપતિ પર રૂ. 2000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. વિશ્વામિત્રી ઝોનના કેટલાક પ્લોટ અને સર્વે નંબરો અંગે એક જાગૃત નાગરિકે 17 સપ્ટેમ્બર 2024ના રોજ માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ અરજી કરી હતી. વુડા દ્વારા સમયમર્યાદામાં માહિતી આપવામાં આવી નહોતી. ત્યારબાદ માહિતી ન આપવાને કારણે અરજદારે 6 જાન્યુઆરી 2025ના રોજ રાજ્ય માહિતી આયોગમાં બીજી અપીલ નોંધાવી હતી. સમગ્ર મામલે આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે, વુડાના કેટલાક અધિકારીઓએ પ્લાનિંગ વિભાગમાં ફાઇલો ગાયબ કરવાની સુનિયોજિત રીતે વ્યવસ્થા કરી છે. જેમાં ખાસ કરીને વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારની માહિતી અને ઝોન ફેરફારની ફાઇલો છે.
વધુમાં સૂત્રોએ જણાવ્યું છે કે, વુડાના કેટલાક અધિકારીઓએ પ્લાનિંગ વિભાગમાં ફાઇલો ગાયબ કરવાની સુનિયોજિત રીતે વ્યવસ્થા કરી છે. ખાસ કરીને વિશ્વામિત્રી નદીના તટ વિસ્તારની માહિતી અને ઝોન ફેરફારની ફાઇલો ગાયબ કરવામાં વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. આ મામલાની ગંભીર બાબત એ છે કે, હાલમાં જાહેરમાં આવી રહેલી વિગતો પ્રમાણે વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલા ઘણા વિસ્તારોમાં ભાજપના જ નેતાઓએ તેમના પ્રભાવના આધારે ઝોન ફેરફાર કરાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, વિશ્વામિત્રી નદી પરના દબાણોની ફરિયાદો અગાઉ પણ અનેક વખત થઇ છે અને દબાણોની યાદી પણ તૈયાર થઈ છે. છતાં પણ આ દબાણો આજે સુધી દૂર થયા નથી. ગતરોજ ફાઇલો ગુમ થવા બાબતે નગર નિયોજક પિનાક પટેલે ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે, અરજદાર જે માહિતી માંગે છે તે ફાઇલ ઓફિસમાં નથી, ફાઇલ જ ન હોય તો માહિતી કેવી રીતે આપી શકીએ?” આ જવાબ બાદ મહત્વની ફાઇલો ક્યાં ગઈ અને કોણે ગાયબ કરી તે હવે તપાસનો વિષય બન્યો છે. વુડામાં ફાઇલો ગુમ થવી એ સામાન્ય બેદરકારી નહીં પરંતુ ગંભીર મામલો છે. વિભાગના બેદરકાર અધિકારીઓની સામે કડક તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ પણ ઉઠવા લાગી છે. વુડાના CEOએ આ મુદ્દે તાત્કાલિક તપાસના આદેશ આપવા જોઈએ એવી લોકમાંગ છે.
પાલિકાના અધિકારી અને ભાજપના નેતાઓનો ઝોનફેરનો ખેલ
વિશ્વામિત્રી નદી પટ પર અનેક ભાજપના નેતાઓ અને પાલિકાના એક ઉચ્ચ અધિકારીનો પણ પ્લોટ અને મકાનો છે. આવા કિસ્સામાં ઝોન ફેરની ફાઇલ ગુમ થવી તે સ્વાભાવિક છે. પાલિકાના ઉચ્ચ અધિકારી અને ભાજપના કેટલાક નેતાઓએ વુડાના અધિકારીઓ સાથે મળી આ સુનિયોજિત કાવતરું રચી ફાઇલ ગુમ કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.