વુડા પાસે અરજદારે માંગેલી માહિતી વિભાગ દ્વારા સમયમર્યાદામાં આપવામાં આવી નહીં
માંગેલી માહિતી દસ્તાવેજ સ્વરૂપે ઉપલબ્ધ ન હોય, તો તેની નોંધ કરી 20 દિવસની અંદર અરજીકર્તાને મોકલવા આદેશ
વડોદરા શહેર વિકાસ સત્તામંડળ(વુડા)ના માહિતી અધિકારી દ્વારા માહિતી અધિનિયમ હેઠળ માંગેલ વિગતો ન આપતા રાજ્ય માહિતી આયોગે કડક વલણ દાખવ્યું છે અને અધિકારી સામે દંડની કાર્યવાહી કરી છે. વડોદરાના એક જાગૃત નાગરિક દ્વારા વિશ્વામિત્રી ઝોનના કેટલાક પ્લોટ અને સર્વે નંબર અંગે માહિતી અધિકાર અધિનિયમ, 2005 અંતર્ગત અરજી તારીખ 17 સપ્ટેમ્બર 2024ના રોજ રજૂ કરવામાં આવી હતી. વુડા પાસે માંગેલી માહિતી તેમને વિભાગ દ્વારા સમયમર્યાદામાં આપવામાં આવી નહતી. પ્રથમ અપીલમાં ફાઇલો નથી મળતી એવું કહી નાગરિકને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહોતો. પ્રથમ અપીલ પછી પણ વુડા તરફથી યોગ્ય જવાબ ન મળતા અરજદારે રાજ્ય માહિતી આયોગમાં 6 જાન્યુઆરી 2025ના રોજ બીજી અપીલ નોંધાવી હતી. જાહેર માહિતી આયોગ દ્વારા સમગ્ર મામલે કરવામાં આવેલી સુનવણીમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજદાર, વુડાના જાહેર માહિતી અધિકારી અને જુનિયર નગર નિયોજક અનિલ પ્રજાપતિ અને પ્રથમ અપીલ અધિકારી અને નગર નિયોજક પિનાક પટેલ હાજર રહયા હતા. આ અંગે 22 જુલાઈ 2025ના રોજ માહિતી આયોગના કમિશનર ભરત ગણાત્રાએ ચુકાદો આપ્યો હતો.
આયોગે જણાવ્યું કે, માહિતી અધિકારી અનિલ પ્રજાપતિએ અરજીકર્તાને સમયસર સંપૂર્ણ માહિતી આપવા સહિતની ફરજ બજાવી નહોતી, જેના કારણે અરજદાર જરૂરી માહિતીથી વંચિત રહ્યા છે. જે બાદ માહિતી અધિનિયમની કલમ 20(1) મુજબ માહિતી અધિકારી પર રૂ. 2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ પગારમાંથી કપાત કરી કે પોતે જમા કરાવવી રહેશે અને તેનું ચુકવણી સમયમર્યાદામાં થાય તે જરૂરી રહેશે. સાથે જ આયોગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો માંગેલી માહિતી દસ્તાવેજ સ્વરૂપે ઉપલબ્ધ ન હોય, તો તેની યોગ્ય નોંધ કરી 20 દિવસની અંદર અરજીકર્તાને મોકલવી પડશે. વધુમાં જો સમયમર્યાદામાં દંડ અનિલ પટેલ દંડ નહીં ભરે તો 15 ઓગસ્ટ સુધીમાં પગારમાંથી કાપી જમા કરાવવામાં આવે. અત્રે નોંધનીય છે કે, અવાર નવાર વિવાદમાં રહેતા વુડા વિભાગ હવે માહિતી આપવામાં પણ બેદરકારી દાખવતા માહિતી આયોગે પણ ફટકાર લગાવી છે.
ફાઈલ જ ગુમ તો માહિતી ક્યાંથી આપીએ ? : પિનાક પટેલ
જે માહિતી અરજદારે માગી હતી તે ફાઇલ ઓફિસમાં મળતી નથી. ફાઇલ જ ન મળે તો અમે કેવી રીતે માહિતી આપી શકીએ. જેટલી માહિતી હતી તે અરજદારને આપી છે. – પિનાક પટેલ, નગર નિયોજક, વુડા
વુડામાં ફાઈલ ગુમ થવાનો મામલો હવે તપાસના ઘેરામાં
અરજદારે માંગેલી માહિતીની ફાઇલ મળતી નથી હોવાનું વુડાના અધિકારીઓ જણાવી રહ્યા છે. પરંતુ હવે આ ફાઇલ કોણે ગાયબ કરી અને કેમ ગાયબ કરી તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. આ પ્રકારે સરકારી ફાઈલો ગાયબ થવી અથવા તો ન મળવી એ વિભાગની ગંભીર બેદરકારી છે. આવી બેદરકારી દાખવનાર અધિકારી/કર્મી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.