દર વર્ષે અહીં આ પરિસ્થિતિ ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી કોઈ નિકાલ ન આવતા રહીશોને હાલાકી
*પાણીમાં મગરો અને સરિસૃપ જીવોનો પણ સ્થાનિકોને ખતરો,દર વર્ષે ઘરવખરી સહિત નુકસાન*
*લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી*
(પ્રતિનિધિ) વડોદરા તા.06
શહેરના વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.અહી મગર તથા સરિસૃપ જીવોનો ખતરો ઉભો થયો છે સાથે જ ઘરવખરીને નુકસાન થવાની શક્યતા છે.

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની નજીક આવેલો કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે. અહીં રહેતા રહીશો વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગ કરે છે. પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળસપાટી 18 ફૂટ વટાવી જતા, કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં છે.આજવા ડેમની સપાટી 213.7 છે. જ્યારે આજવામાંથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી હાલ વિશ્વામિત્રી 18 ફૂટ વટાવી વહી રહી છે. જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા, આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે .

અહીં દર વર્ષે આવી પરિસ્થિતિ ઉભી થતી હોય છે જે અંગેની સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક તંત્ર, ધારાસભ્ય કે નગરસેવકો દ્વારા કોઇ કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવતો નથી પરિણામે દર વર્ષે સ્થાનિકોને ઘરવખરી સહિત મોટું નુક્સાન ભોગવવાનો વારો આવે છે . તદ્પરાંત મગર સહિત સરિસૃપ જીવો વચ્ચે અંધકારમાં રહેવા મજબૂર થવું પડે છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવે તેવી રહિશોની માંગ છે.
