પાલિકાના ‘નિર્મળ નદી’ના દાવાઓ વચ્ચે રિયાલિટી ચેકમાં ખુલ્લી પડી પોલ; આજે પણ 10થી વધુ પોઈન્ટ પરથી ઠલવાતું ગટરનું ઝેર
વડોદરા: વડોદરાની ઓળખ સમાન અને શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી આજે પોતાનો પરિચય બચાવવા સંઘર્ષ કરી રહી છે. નદીના શુદ્ધિકરણ અને સંવર્ધન માટે છેલ્લા કેટલાય વર્ષોમાં કરોડો રૂપિયા ખર્ચાયા હોવાના દાવાઓ થાય છે, પરંતુ મેદાન પર હકીકત એવી છે કે ગંદકી હજુ પણ નિર્ભયપણે નદીમાં ઠલવાઈ રહી છે. લાગે છે કે બજેટ “નિર્મળ નદી” માટે નહીં, પરંતુ ફાઈલ શુદ્ધિકરણ માટે ખર્ચાયું છે.

એક્શન પ્લાન, ડ્રોન સર્વે, સ્માર્ટ મોનીટરીંગ—બધી ટર્મ્સ સાંભળીએ તો એવું લાગે કે વિશ્વામિત્રી હવે યુરોપિયન નદી બનવાની છે. પરંતુ રિયાલિટી ચેક કરો તો દેણા જંક્શનથી લઈને કલાલી સુધી આજે પણ ગટરના પાણીના ધોધ નદીમાં વહી રહ્યા છે. સ્વાભાવિક સવાલ એ છે કે જો કરોડો રૂપિયા ટેકનોલોજી અને એસ.ટી.પી. પાછળ ખર્ચાયા છે, તો પછી નદીનું પાણી આજે પણ કાળું, ઝેરી અને દુર્ગંધયુક્ત કેમ?

પાલિકાના અધિકારીઓ જાણે આંખ આડા, કાન બંધની નીતિ પર કામ કરી રહ્યા હોય એવું જણાય છે. બેઠકો થાય છે, નોટિસો નીકળે છે, પ્રેઝન્ટેશન બને છે—પરંતુ જમીન પર પરિણામ શૂન્ય. સ્થાનિક રહીશો કહે છે કે દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી જીવવું મુશ્કેલ બન્યું છે, અને ભૂગર્ભ જળ પણ દૂષિત થવાની ભીતિ વધી રહી છે.
નદીમાં ગટરનું પાણી તો છે જ, સાથે પ્લાસ્ટિક અને કચરાના ઢગલા પણ તંત્રની ‘સફળતા’ના મૌન સાક્ષી બની રહ્યા છે. જો આ જ ગતિએ કામ ચાલતું રહ્યું, તો ભવિષ્યમાં વિશ્વામિત્રીને નદી નહીં, મહાનગરનું મુખ્ય ગટર નાળું કહેવું પડશે.
: તંત્રના ‘આંખ આડા કાન’ – આઉટફ્લો બંધ કરવામાં નિષ્ફળતા
રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે:
*સમા અને હરણી વિસ્તાર: રહેણાંક સોસાયટીઓનું ગંદું પાણી સીધું જ વરસાદી ગટર મારફતે નદીમાં.
*મુખ્ય રિવર બ્રિજ વિસ્તાર: અકોટા–દાંડિયા બજાર, નરહરી અને મંગલ પાંડે બ્રિજ પાસે આઉટફ્લો “બંધ” હોવાના દાવાઓ છતાં ગટર યથાવત.
*એસ.ટી.પી. પ્લાન્ટ્સ: શુદ્ધિકરણ માટે બનેલા પ્લાન્ટ્સમાંથી નીકળતું પાણી પણ ‘સુગંધિત’ નહીં, પરંતુ દુર્ગંધયુક્ત હોવાની વ્યાપક ફરિયાદો.
: તંત્ર સામે વેધક સવાલો
*શુદ્ધિકરણના નામે ખર્ચાયેલા કરોડો રૂપિયા ખરેખર ક્યાં ગયા?
*આઉટફ્લો બંધ કરવાના દાવાઓ ખોટા સાબિત થાય છે—જવાબદારી કોની?
*શું વડોદરા મહાનગરપાલિકાને વડોદરાની આ ઐતિહાસિક ધરોહરને બચાવવામાં ખરેખર કોઈ રસ છે?
*હાલ તો સ્થિતિ એવી છે કે નદી વહે છે—પણ પાણી નહીં, તંત્રની નિષ્ફળતાની કહાણી.