ગુજરાતમાં સતત ચાર દિવસથી મેઘરાજાની જોરદાર બેટિંગ બાદ તારાજીના દૃશ્યો સામે આવી રહ્યાં છે. મેઘમહેર નહીં પરંતુ મેઘકહેર જેવી સ્થિતિ સર્જાય છે. સૌથી વધારે વડોદરાની હાલત ખરાબ જોવા મળી છે. વિશ્વામિત્રી નદીના પાણી શહેરોમાં ફરી વળ્યાં છે. જેના કારણે વડોદરા આખું જળબંબાકાર થઈ ગયું છે. અનેક સોસાયટીઓ અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકો પોતાના જ ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. એટલી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોએ રડીને આપવીતી જણાવી રહ્યા છે.
વડોદરાની અમિતનગરમાં તારાજીની સાથે કરુણ દૃશ્યો જોવા મળી રહ્યાં છે. સોસાયટીના રહીશો વિશ્વામિત્રી નદીના પાણીના પ્રકોપથી થરથર કાંપી રહ્યા છે. આ સોસાયટી વિશ્વામિત્રી નદી નજીક હોવાથી ૬ થી ૮ ફૂટ સુધી પાણીમાં રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. પાણી ઓસર્યા બાદ જ્યારે પરિજનો ખબરઅંતર પૂછવા માટે પહોંચ્યા હતા ત્યારે રહીશો રડી પડ્યા હતા.
અમિતનગરના લોકો રડતી આંખે કહી રહ્યા છે કે, ”પાણી ઓસર્યા બાદ પણ તંત્ર સંભાળ લેવા આવ્યું નથી. ત્રણ-ત્રણ દિવસ સુધી અમે ધડ સુધીના પાણીમાં વિતાવ્યા છે. પડોશીઓએ એકબીજાના સહારે જેમ તેમ કરીને હિંમત આપીને દિવસો કાઢ્યા હતા. અમારી ઘરવખરીને પણ ઘણું નુકસાન પહોંચ્યું છે.”
વડોદરાની આ સ્થિતિના સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, આટલા દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાલિકા દ્વારા કોઈ મદદ કરવામાં આવી નથી કે નથી. નેતા પણ નથી પરિસ્થિતિ જોવા આવ્યા તેવું સ્થાનિકો રડતાં રડતાં કહી રહ્યા છે.
સ્થાનિક તંત્ર કે રાહત કામગીરી માટે કોઈ મદદે ન આવ્યું હોવાનો મહિલાઓ આરોપ લગાવી રહ્યાં છે. જણાવી દઈએ કે, VMC દ્વારા કોઈ મદદ કરવા કે કોર્પોરેટર કે MLA પરિસ્થિતિ જોવા પણ નહિ આવતા અને ઘરવખરી નકામી બનતા સ્થાનિકો ટેક્સ નહિ ભરવાની વડોદરા પાલિકાને ચીમકી ઉચ્ચારી રહ્યાં છે.