“હાય રે કોર્પોરેશન હાય હાય”ના નારાઓ લાગ્યા, તંત્ર નિંદ્રાધીન, પરશુરામ ભઠ્ઠામાં જળ ભરાવથી જનજીવન ઠપ થતા નાગરિકોનો તંત્ર સામે આક્રોશ


વડોદરામાં વિશ્વામિત્રી નદી બંને કાંઠે ફરી એકવાર ઉફાન પર આવી છે. પરશુરામ ભઠ્ઠો વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ગરનાળું પાણીથી ભરાઈ જતા સામાન્ય નાગરિકોના જીવન પર સીધો પ્રભાવ જોવા મળ્યો છે.
પરશુરામ ભઠ્ઠો વિસ્તારમાં સતત પાણી ભરાઈ જવાથી સ્થાનિકો માટે હાહાકાર સર્જાયો છે. ઘરોમાં પાણી પ્રવેશતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે, વીજ પુરવઠો પણ ખોરવાઈ જવાને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. ઘણા પરિવારોને પોતાના ઘર છોડીને સલામત સ્થાનોનો આશરો લેવો પડ્યો છે.


સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે દર વર્ષે વરસાદી મોસમમાં આ સમસ્યા ઊભી થતી હોવા છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવતાં નથી. ગરનાળાં સાફ ન થવાને કારણે પાણીની નિકાસ થતી નથી અને જળ ભરાવ વધી જાય છે. નાગરિકોએ ભારે રોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે તંત્ર “નિંદ્રાધીન” છે અને સમસ્યાના મૂળ કારણો દૂર કરવા ઇચ્છુક નથી.
પીડિત નાગરિકોએ તંત્ર સામે મોરચો ખોલી વિરોધ નોંધાવ્યો હતો. સ્થળ પર “હાય રે કોર્પોરેશન, હાય હાય” જેવા સૂત્રોચ્ચાર થતાં તંત્ર પ્રત્યેનો ભારે રોષ ઉકળ્યો. નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દર વર્ષે આ જ સમસ્યાને અવગણીને ફક્ત કાગળ પર કામગીરી બતાવે છે.
નાગરિકોએ તંત્રને તાકીદ કરી છે કે તેઓ માત્ર નાળાની સફાઈ નહીં પણ નદીના પ્રવાહનું વૈજ્ઞાનિક આયોજન કરે.
સાથે જ તેઓએ ચેતવણી આપી છે કે સમયસર પગલાં નહીં લેવાય તો તેઓ વધુ આક્રમક આંદોલનનો માર્ગ અપનાવશે.