વડોદરા મહાનગર પાલિકાની વિશેષ સભાના દિવસે કાઉન્સિલરો સમય પર ન પહોંચ્યા

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં દર વર્ષે પૂરની સમસ્યા ત્રાસદાયક બને છે. નદીના કિનારે વસેલા વિસ્તારોમાં પૂરના પાણીથી લોકજિવન અસરગ્રસ્ત થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે ખાસ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. શહેરની વિશ્વામિત્રી નદીના પુર ઉપર નિયંત્રણ લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ સભા 11 વાગે શરૂ થવાની હતી પરંતુ કેટલાક સભા સદો સમય પર ન પહોંચી શકતા ફોન કરી સભા સદોને બોલાવવા પડ્યા હતા જેને લીધે વિશેષ સભા 15 મિનિટ પછી શરૂ થઈ હતી.
મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ પ્રોજેક્ટ અંગેની વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, આગામી ચોમાસાઓમાં વિશ્વામિત્રીના નદીમાં પૂર આવે તો તેને કાબૂમાં રાખી શકાય અને શહેરના લોકોને આ સમસ્યાથી મુક્તિ મળી રહે. આ પ્રોજેક્ટ ભારત સરકારના પૂર્વ સચિવ બી.એન. નવલાવાલાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવ્યો છે. કમિશનરે સભાસદોને માહિતી આપતાં કહ્યું કે, આ પ્રોજેક્ટની કામગીરી રાત-દિવસના પ્રયત્નોથી 100 દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે. પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં વિશ્વામિત્રી નદીની વહનશક્તિમાં વધારો કરવામાં આવશે અને નદીના પ્રવાહને અનુકૂળ બનાવી શહેરને પૂરના જોખમથી બચાવવાનું મિશન છે.
પ્રેઝન્ટેશન પછી, કોંગ્રેસના કાઉન્સિલર અમીબેન રાવતે પ્રોજેક્ટના અધૂરાપણાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે વર્ષ 1994 બાદ આવેલા 11 પૂરનું ઉલ્લેખ કરતાં કહ્યું કે, પ્રોજેક્ટના આંકડાઓમાં માત્ર 8 પૂરનો ઉલ્લેખ છે, જે અપૂર્ણ માહિતી દર્શાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવી શક્યતા છે, જેનાથી બચવા માટે ટકાઉ ઉકેલ જરૂરી છે. વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરને ટાસ્કફોર્સ બનાવી પ્રોજેક્ટનું મોનીટરીંગ કરવાનો સુચન કર્યો અને દબાણો દૂર કરવા પર ભાર મૂકી તે સ્થાયી કરવાની માગ પણ કરી હતી.
ભાજપના નેતા મનોજ પટેલે વિપક્ષી દળના આક્ષેપોને નકારી કાઢતાં જણાવ્યું કે, ભૂતકાળની પરિસ્થિતિઓથી શીખ લઈ હવે વડોદરાની સુખાકારી માટે કાર્ય કરવાનું સમય છે. તેમણે જણાવ્યું કે, દરેક નાનાં નાનાં પાસાંઓને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે, જેથી આગામી ચોમાસામાં પૂરના જોખમ ટળે. સભામાં અન્ય સભાસદોએ પણ પ્રોજેક્ટને લઈને પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોષીએ પ્રશ્ન ઉઠાવ્યો કે, “આટલો ખર્ચ કર્યા પછી પૂરને રોકવાની ખાતરી કોણ આપશે ?” ખુદ નવલાવાલા પોતે પણ અગાઉ આવું કહી ચૂક્યા છે. આખા આયોજનમાં અમારા માટે કોઈ વ્યવસ્થા નથી. વોર્ડ નં 5,15 અને 16 નું બધું પાણી મહાનગરના નાળામાં જાય છે. હાઈ લેવલ મિટિંગમાં તમે અમને ન બોલાવો પણ હાઈ લેવલ પાણીમાં અમે ફરેલા છીએ. પૂર સમયે લોકોનો જે આક્રોશ હતો એ આપે પણ જોયો છે. આજે પણ રાવપુરા વિસ્તારના કેટલાક પૂર પીડિત લોકોને રાહત મળી નથી. આજે પણ લોકો રાહતની રાહ જોઈને બેઠા છે. કેટલીય વાર રજૂઆતો કરી છતાં કોઈ આવ્યું નથી. સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડ આપ્યા છે તો એમાંથી હજુ પણ જે લોકો રાહતથી વંચિત છે તેમણે વોર્ડ વાઈઝ પૈસા આપી દેવા જોઈએ.
કાઉન્સિલર સુરૂતા પ્રધાને પૂછ્યું કે, “સાઉથ ઝોનમાં પૂરના પાણી 7-8 દિવસ સુધી અટકી રહે છે ત્યારે તે વિસ્તાર માટે શું ખાસ આયોજન છે ?”
વિપક્ષી દળે પર્યાવરણવાદીઓને મહત્વ આપતા જણાવ્યું કે, પ્રોજેક્ટ પર્યાવરણને નુકસાન પહોંચાડે નહીં તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. વિપક્ષી સભાસદે એક રિપોર્ટના આંકડાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, નદીમાં દબાણ અને વધતા વરસાદના કારણે પૂરની તીવ્રતા વધી છે. “વિશ્વામિત્રી નદીમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ દબાણો નહીં થાય અને પર્યાવરણનું જતન થાય તે માટે સાવધાની રાખવી જોઈએ,” એમ કોંગ્રેસના કાઉન્સિલરોએ જણાવ્યું હતું.
સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ સભામાં જણાવ્યું કે, “પ્રથમ તબક્કામાં નદીની વહન શક્તિને મજબૂત બનાવવામાં આવી રહી છે. આવનારા તબક્કામાં વિસ્તૃત કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં દબાણ દૂર કરવા અને નદીના પ્રાકૃતિક વહનને પુનઃસ્થાપિત કરવા પર ભાર મુકાશે.”
મ્યુનિસિપલ કમિશનરે સભાસદોને ખાતરી આપતાં જણાવ્યું કે, આ પ્રોજેક્ટ માત્ર શહેરી વિસ્તારોને પૂરથી બચાવવાનો પ્રયાસની સાથે વડોદરા શહેરના વિકાસમાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે.
વિશ્વામિત્રી નદીના પુનર્જીવન માટેના આ પ્રોજેક્ટમાં કુલ ₹1200 કરોડના ખર્ચનો અંદાજ છે. મ્યુનિસિપલ કમિશનરનો દાવો છે કે આ પ્રોજેક્ટની લાગુ પડતી કામગીરીથી આગામી ચોમાસા દરમિયાન પૂરના જોખમમાં 40% ઘટાડો થશે. આ માટે ટુંકા અને લાંબા ગાળાના આયોજનથી કાર્ય કરવામાં આવશે.
પૂર્વ વિસ્તાર માટે પાણીની તાત્કાલિક જરૂરિયાત, હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી અને દરરોજ ટેન્કરની જરૂર પડે છે
કોર્પોરેટર રણછોડ રાઠવાએ પૂર્વ વિસ્તારમાં પાણીની તીવ્ર સમસ્યા પર ઉચ્ચાર કર્યો હતો. “હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી અને દરરોજ ટેન્કરની જરૂર પડે છે, જેના કારણે નાગરિકો પ્રત્યે છેવટ સુધીનો ભરોસો તૂટે છે.” તેમણે માન્યુ કે પાણીના પ્રશ્નનો મૂળભૂત ઉકેલ ન હોવાને કારણે પૂર્વ વિસ્તારને આર્થિક અને સામાજિક રીતે નુકસાન થાય છે. રાઠવાએ જે ભારે આક્ષેપ કર્યા તેનાથી સ્પષ્ટ થાય છે કે પાણીની અનિયમિતતા શહેરના આ વિસ્તારોને પછાત રાખે છે. વૈકુંઠ સોસાયટી સહિતના વિસ્તારોમાં આ સ્થિતિ વધુ ખરાબ છે. વધુમાં કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાં ડહોળું પાણી આવતું હોવાની પણ બૂમરાણ છે. એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ભૂતકાળના ભૂલારા ટાળવા માટે નવી ગાઈડલાઈન અને પર્યાપ્ત પાણીના નવા સ્ત્રોત તૈયાર કરવા જરૂરી છે. આ અંગે કોર્પોરેટર આશિષ જોષીએ વાજબી ટીકા કરી હતી કે, “વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્વ વિસ્તારમાં ફાયદો નહીં લાવે. વરસાદી કાંસની સફાઈ અપૂરતી છે, અને પીવાના પાણીની સમસ્યા યથાવત છે.” બંને કોર્પોરેટરોએ ઉમેર્યું કે શહેરના વહીવટી તંત્રએ આ મુદ્દાને અનુસંધાનમાં રાખીને પાયાની પ્રવૃત્તિઓ શરૂ કરવી જોઈએ.