ત્રણસો વકીલોએ સહીં સાથે ‘ઓપન ટુ ઓલ’ બેઠક વ્યવસ્થાના ઠરાવનો વિરોધ કર્યો હતો
*નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થાને લઈને કમિટી મેમ્બર્સ તથા વકીલોમાં આંતરિક નારાજગી યથાવત જોવા મળી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે આવેલા નવીન એડવોકેટ હાઉસમાં બેઠક વ્યવસ્થા અંગે છેલ્લા કેટલાક સમયથી સર્વાનુમતે સંપતિને લઈ કોઇ સ્પષ્ટતા ન થવાથી તા.01-07-2025 ના રોજ બરોડા બાર એસોસિયેશનના હોદેદારો દ્વારા મિટિંગ યોજી અગાઉ તા.16-06-2025 ના સર્વસંમતિથી પસાર થયેલા ઠરાવને રદ્ કરી ઓપન ટુ ઓલ નો નવો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં કમિટી મેમ્બર્સ તથા અન્ય વકીલો મળીને ત્રણ સો વકીલોએ સહીં સાથે તા.7જૂલાઇના રોજ બરોડા બાર એસોસિયેશનના પ્રમુખ ને રજૂઆત કરી હતી. પરંતુ આ બાબતે કોઇ નિર્ણય લેવાય તે પહેલાં જ તા.10 જૂલાઇ ને ગુરુવારે ગૂરુપૂર્ણિમા ના અવસરે નવું એડવોકેટ હાઉસ ઓપન ટુ ઓલ સાથે ખુલ્લું મુકાયું હતું.

સવારે સાડા દસ કલાકે બરોડા બાર એસોસિયેશનના વાઇરસ પ્રેસિડેન્ટ નેહલ સુતરીયા, જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કર,ટ્રેઝરર નિમિષા ધોત્રે , જોઇન્ટ સેક્રેટરી મયંક પંડ્યા સહિતના હોદ્દેદારોએ શ્રીફળ વધેરી નવીન એડવોકેટ હાઉસ ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે જનરલ સેક્રેટરી રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, નવીન એડવોકેટ હાઉસમાં વકીલોની ફાઇલો વિગેરે માટે લોકર, ટેબલ, ખુરશી,પંખા,લાઇટો સહિતની તમામ સુવિધાઓ બાદ એડવોકેટ હાઉસ ખુલ્લું મુકાયું છે અને આગામી દિવસોમાં કોર્ટમાં જગ્યા છે ત્યાં નવું એડવોકેટ હાઉસ બને તે માટે મંજૂરી બાબતે રજૂઆત કરવામાં આવશે.
બીજી તરફ આ નવીન એડવોકેટ હાઉસમાં જે રીતે ઓપન ટુ ઓલ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ફેર વિચારણા કરવા કેટલાક વકીલોએ જણાવ્યું છે. આ નિર્ણય થી કેટલાક કમિટી મેમ્બર્સ, વકીલોમાં આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. કેટલાક વકીલો દ્વારા પોતાને અને અન્ય વકીલોને અન્યાય થયો હોવાના મુદ્દે બરોડા બાર એસોસિયેશનના પ્રમુખને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.