સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી નિશાળીયાની દમદાર ઘોષણા બાદ સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો તાપ ચઢ્યો
વડોદરા કરજણ-સિનોર
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કરજણ-સિનોરના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળીયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી આપેલા તેમના નિવેદનોએ ફરી એકવાર જિલ્લાની રાજકીય ગતિવિધિઓને ગરમાવી દીધી છે.

સતીશ નિશાળીયાએ સ્નેહમિલનના કાર્યક્રમ દરમ્યાન કાર્યકરોની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે, “વિરોધીઓ મગફળીના દાણાની જેમ ખોવાઈ જશે, પરંતુ હું ભાજપનો પાયાનો કાર્યકર છું અને ક્યારેય મેદાન છોડીને જવાનો નથી.” તેમનો આ નિવેદનસભર વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે.
નિશાળીયાએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું કે કેટલાક વિરોધી તત્વો એવી ચર્ચા ફેલાવે છે કે હવે તેમની પાસે કોઈ પદ કે સત્તા નથી, એટલે તેઓને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાની જરૂર નથી. પરંતુ, તેમણે ઉપસ્થિત કાર્યકરો પ્રત્યે આભાર વ્યક્ત કરતા એવી દલીલ કરી કે વિરોધીઓની વાતોનો કોઇ અર્થ નથી, કેમ કે કાર્યકરોનો સાથ અને લોકપ્રેમ જ તેમના માટે સૌથી મોટું બળ છે.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “ વર્ષ 2008માં ચેરમેન બન્યા પછીથી દરેક પ્રસંગે કાર્યકરો વચ્ચે હાજર રહ્યો છું. આજે જો વિરોધીઓને લાગે છે કે મારા પાસે હોદ્દો નથી એટલે હેરાન કરી શકાય, તો તે તેમની ભૂલ છે. પાર્ટીના મૂળ અને ઓરીજનલ કાર્યકરો હંમેશાં મારી સાથે જ રહ્યા છે.”
ભાજપના વલણ અને આંતરિક ગતિવિધિઓ પર કડક વલણ ધરાવતા સતીશ નિશાળીયા છેલ્લા કેટલાય વર્ષોથી જિલ્લા સ્તરે મહત્વપૂર્ણ ભૂમિકામાં રહ્યા છે. તેમના આ નિવેદનથી જિલ્લાની રાજકીય ગરમાવો ફરીથી ઉકળી રહ્યો છે, અને સ્થાનિક રાજકીય વર્ગમાં અનેક ચર્ચાઓને જન્મ આપ્યો છે.
વિડીયો વાયરલ થવા બાદ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે નિશાળીયાનો આ ‘ચીમકીરૂપ’ સંદેશ કયા વિરોધી વર્ગ માટે હતો અને તેનું આગામી રાજકીય સમીકરણોમાં શું પ્રતિબિંબ પડશે, તે હવે જોવાનું રહેશે.